T20 વર્લ્ડ કપમાં પણ ધૂણ્યું ફિક્સિંગનું ભૂત, અજાણ્યા નંબરો પરથી કૉલ આવ્યાની ખેલાડીઓની ફરિયાદ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
T20 World Cup 2024 Match Fixing


Match-Fixing in T20 World Cup 2024 : અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાની હેઠળ હાલ ટી20 વર્લ્ડકપ-2024 રમાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તમામ 40 ગ્રુપ મેચો રમાઈ ચુકી છે અને આજથી સુપર-8નો મુકાબલો શરૂ થવાનો છે, ત્યારે આ વર્લ્ડકપમાં મેચ ફિક્સિંગની એન્ટ્રી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુગાન્ડાના એક ખેલાડીએ અજાણ્યા નંબરો પરથી કૉલ આવ્યા હોવાની ICCને ફરિયાદ કરી છે.

કેન્યાના એક પૂર્વ ક્રિકેટરે ફિક્સિંગની ઓફર કરી

ફરિયાદ મુજબ કેન્યાના એક પૂર્વ ક્રિકેટરે યુગાન્ડાના ખેલાડીને જુદા જુદા નંબરો પરથી કૉલ કરીને ફિક્સિંગની ઓફર કરી હતી. જો કે, આઈસીસીના એન્ટી કરપ્શન યુનિટ (ACU) એ તરત જ મામલો થાળે પાડ્યો છે. એક સમાચાર એજન્સીના અહેવાલો મુજબ, આ ઘટના ગયાનામાં વર્લ્ડકપની લીગ સ્ટેજ મેચો દરમિયાન બની છે. અહીં કેન્યાના એક પૂર્વ ઝડપી બોલરે યુગાન્ડાની ટીમના સભ્યનો સંપર્ક કરવા જુદા જુદા નંબરો પરથી સતત કૉલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

યુગાન્ડાના ખેલાડીએ ICC નિયમોનું પાલન કર્યું

જોકે યુગાન્ડાના ખેલાડીએ આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને તેણે તુરંત ત્યાં એસીયુ અધિકારીઓને માહિતી આપી હતી. ત્યારબાદ અધિકારીઓ તુરંત કાર્યવાહી કરી તમામ એસોસિએટ ટીમોને કેન્યાના આ પૂર્વ ખેલાડીથી સતર્ક રહેવા કહ્યું હતું.

યુગાન્ડાએ ચારમાંથી માત્ર એક મેચ જીતી

ટી20 વર્લ્ડકપ-2024ની ગ્રુપ સ્ટેજની મેચોમાં યુગાન્ડાએ પાપુઆ ન્યૂ ગિની સામે જીતની શરૂઆત કરી હતી. જોકે બાદમાં તેણે અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને વેસ્ટઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. યુગાન્ડાએ તેની ચાર મેચોમાંથી ત્રણ મેચો ગુયાનામાં રમી હતી.


Google NewsGoogle News