મારી પાસે ટાઈમ નથી...'વધુ એક દિગ્ગજે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનવાની ઓફર નકારી!
Team India Head Coach: BCCI ભારતીય ટીમ માટે નવા હેડ કોચની શોધમાં વ્યસ્ત છે. રાહુલ દ્રવિડ પછી ટીમ ઈન્ડિયાના આગામી હેડ કોચ કોણ હશે તે એક મોટો પ્રશ્ન છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે, 2024 છે. ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડ છે, જેનો કાર્યકાળ ICC T20 વર્લ્ડ કપ 2024 પછી તુરંત જ પૂર્ણ થશે. BCCIએ કહ્યું કે જે પણ ભારતીય ટીમનો આગામી હેડ કોચ બનશે, તેનો કાર્યકાળ 1 જુલાઈથી શરૂ થશે. જો કે, હેડ કોચની રેસમાં સામેલ અન્ય એક ખેલાડીએ જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે.
કુમાર સંગાક્કારાએ કહ્યું- મારી પાસે સમય નથી
આ દિગ્ગજ ખેલાડી બીજું કોઈ નહીં પણ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાક્કારા છે. એવી અટકળો ચાલી રહી હતી કે સંગાક્કારાને ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવી શકે છે, પરંતુ ખેલાડીએ પોતે આગળ આવીને તેનો ઇનકાર કરી દીધો છે. તેણે કહ્યું કે બીસીસીઆઈએ હેડ કોચ બનવા માટે મારો સંપર્ક કર્યો નથી અને મારી પાસે આટલી મોટી જવાબદારી સંભાળવાનો સમય પણ નથી. હું રાજસ્થાન રોયલ્સનો હેડ કોચ બનીને ખૂબ જ ખુશ છું. આ રીતે આ રેસમાંથી વધુ એક ખેલાડી ઓછો થયો છે. સંગાક્કારા પહેલા પણ ઘણા દિગ્ગજ ખેલાડીઓએ હેડ કોચ બનવાની ના પાડી દીધી હતી.
રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર પણ હેડ કોચની રેસમાં હતાં
બીસીસીઆઈએ રાહુલ દ્રવિડને ઓફર કરી હતી કે જો તે ઈચ્છે તો તેનો કાર્યકાળ વધારી શકે છે, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે તેનો કાર્યકાળ નહીં લંબાવશે. આ સિવાય ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગે પણ હેડ કોચ બનવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી હતી કે કુમાર સંગાક્કારાને આ જવાબદારી આપવામાં આવી શકે છે, પરંતુ તેણે પણ તેનો ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીઓ જસ્ટિન લેંગર અને રિકી પોન્ટિંગે કહ્યું હતું કે BCCIએ હેડ કોચ બનવા માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. આ મુદ્દે બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમારી તરફથી કોઈનો સંપર્ક કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમના હેડ કોચની પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.