Get The App

T20 વર્લ્ડકપ ફાઈનલ: આજે મેચ રમાઈ શકશે કે નહીં? જાણો બ્રિજટાઉનમાં કેવું છે વાતાવરણ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપ ફાઈનલ: આજે મેચ રમાઈ શકશે કે નહીં? જાણો બ્રિજટાઉનમાં કેવું છે વાતાવરણ 1 - image


Image Source: Instagram

IND vs SA Final, Barbados Weather Forecast: ICC મેન્સ ટી 20 વર્લ્ડકપ 2024નો ફાઈનલ મુકાબલો આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છે. બંને ટીમ વચ્ચે આ મેચ બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેંસિંગ્ટન ઓવલમાં છે. આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા કરી રહ્યો છે તો બીજી તરફ એડન માર્કરામ પર દક્ષિણ આફ્રિકાની ટીમની જવાબદારી છે.

ફાઈનલ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:00 વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે 10:30 વાગ્યે) શરૂ થવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ પર પણ વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. 28 જૂનના રોજ પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. સારી વાત એ છે કે અત્યારે બ્રિજટાઉનમાં વરસાદ નથી પડી રહ્યો અને હવામાન સ્વચ્છ છે. 

મેચ દરમિયાન આવું રહેશે હવામાન

હવામાન વિભાગ પ્રમાણે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:00 વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:30 વાગ્યે) બ્રિજટાઉનમાં વરસાદની આગાહી 50% છે. બીજી તરફ ભારતીય સમય પ્રમાણે સાંજે 8:00 વાગ્યે બ્રિજટાઉનમાં વરસાદની સંભાવના 55% છે. જ્યારે 9:00 વાગ્યે વરસાદની સંભાવના 57% છે. ત્યારબાદ રાત્રે 10:00 વાગ્યે 72%, સવારે 11:00 વાગ્યે 56% અને મધ્યરાત્રિના 12:00 વાગ્યે 51% વરસાદ પડવાની સંભાવના છે.

મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે

ICCએ 190 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી મેચનું પરિણામ 29 જૂને જ જાહેર કરી શકાય. તેમ છતાં 29 જૂને પરિણામ ન આવે તો ગભરાવાની જરૂર નથી. ICCએ આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર 29 જૂનના રોજ મિનીમમ 10-10 ઓવરની રમત શક્ય ન હોય તો મેચ રિઝર્વ ડે (30 જૂન)માં જશે. રિઝર્વ ડેમાં મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. એકવાર ટોસ થઈ જશે તો મેચ 'લાઈવ' ગણવામાં આવશે.

જો વરસાદના કારણે રિઝર્વ ડેમાં પણ વિક્ષેપ પડે અને મિનીમમ 10-10 ઓવરની રમત શક્ય ન બને તો ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવામાં આવશે. ઉદાહરણ તરીકે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાની ટીમો સંયુક્ત રીતે વિજેતા રહી હતી.

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ નથી હારી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ છે જેણે સતત 8 મેચ જીતી છે અને તે પણ આ ટૂર્નામેન્ટમાં અજેય છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિચ નોર્કિયા, તબરેઝ શમ્સી, ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએટ્ઝી, બ્યોર્ન ફોર્ટુઈન, રે યાન રિકલ્ટન.



Google NewsGoogle News