ICC T-20 વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, રોહિત બ્રિગેડ બાબર સેનાને પછાડવા તૈયાર
Ind vs Pak T20 World Cup 2024, Match Preview: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં આજે (9 જૂન) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. ન્યૂયોર્કમાં યોજાનારી આ મેચમાં ભારતીય ટીમ તેનો જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ અમેરિકા સામે હાર્યા બાદ સંપૂર્ણપણે બેકફૂટ પર છે. આ મેચમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. બાબર આઝમ પાકિસ્તાનની ટીમનું સુકાન સંભાળશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
નાસાઉની ડ્રોપ-ઇન પિચ પર પ્રશ્નો ઉઠ્યા
આ ભારત-પાકિસ્તાન મેચ 34000 દર્શકોની ક્ષમતાવાળા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેદાનની પીચ સતત ચર્ચાનો વિષય બની રહે છે. એડિલેડ ઓવલના મુખ્ય ક્યુરેટર ડેમિયન હોગના માર્ગદર્શન હેઠળ, એપ્રિલમાં અહીં ચાર ડ્રોપ-ઇન પિચ નાખવામાં આવી હતી, જે હજુ સુધી સેટ કરવામાં આવી નથી. પિચ પર બાઉન્સિંગ વધુ થતુ હોવાથી બેટ્સમેનોની સલામતી પર પ્રશ્ન ચિહ્નો ઉભા કરી રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને આયરલેન્ડ સામેની મેચમાં ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.
પાકિસ્તાનની ટીમે નાસાઉ સ્ટેડિયમમાં હજુ સુધી કોઈ મેચ રમી નથી. પહેલી મેચમાં અમેરિકા સામે હારેલી પાકિસ્તાની ટીમ ગુરુવારે રાત્રે જ અહીં પહોંચી હતી. તેમને પરિસ્થિતિને અનુકૂળ થવાની તક મળી નથી, જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે. જો તેઓ ભારત સામે હારી જશે તો સુપર એટ તબક્કામાં પ્રવેશવાનો તેમનો રસ્તો લગભગ અશક્ય બની જશે.
શું કુલદીપને મળશે તક?
આયર્લેન્ડ સામે, ભારતે લેફ્ટ સ્પિનર કુલદીપ યાદવને મેદાનમાં ઉતાર્યો ન હતો અને ફાસ્ટ બોલરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જ સંયોજન પાકિસ્તાન સામે અકબંધ રહેવાની ધારણા છે કારણ કે આ મેચ નવા ટર્ફ પર રમાશે. બેટિંગમાં, રોહિત અને વિરાટ કોહલી ઇનિંગ્સની શરૂઆત કરશે, જ્યારે ઋષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરશે. બીજી તરફ પાકિસ્તાન સામે સૌથી મોટો પડકાર પ્રથમ મેચમાં મળેલી હારને જીતમાં તબદીલ કરવાનો છે.
અમેરિકા સામેની પ્રથમ મેચમાં સુપર ઓવરમાં મળેલી હારથી ફરી એકવાર સાબિત થઈ ગયું કે પાકિસ્તાનની ટીમ આટલી અણધારી શા માટે માનવામાં આવે છે. બાબર આઝમે હાર માટે દોષનો ટોપલો બોલર્સ પર ઢોળ્યો છે. પરંતુ પાકિસ્તાનના બેટ્સમેન્સે પણ નિરાશ કર્યા હતા. બાબરે પોતે 44 રન બનાવવા માટે 43 બોલ રમ્યા હતા
ટૂર્નામેન્ટની શરૂઆતમાં ISIS તરફથી મળેલી આતંકવાદી ધમકી બાદ, મેચ માટે ચુસ્ત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે તાજેતરમાં સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, 'ભારત-પાકિસ્તાન મેચની સુરક્ષા વ્યવસ્થા થોડા વર્ષો પહેલા તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાગત માટે કરવામાં આવી હતી તેવી જ છે.'
ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો હંમેશા દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 8 મેચ જીતી હતી જ્યારે પાકિસ્તાન માત્ર 3 મેચ જીત્યું હતું. તટસ્થ સ્થળો પર પણ ભારતીય ટીમની સામે પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ દેખાતી હતી. બંને ટીમો વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર કુલ 9 T20 મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 6માં જીત મેળવી હતી. જ્યારે પાકિસ્તાન માત્ર 2 મેચ જીત્યું છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર જમાન, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.