Get The App

રોહિતનો પ્લાન કામ કરી ગયો, મજબૂત સ્થિતિમાં રહેલી પાકિસ્તાન ટીમ એકઝાટકે થઇ ભોંય ભેગી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
રોહિતનો પ્લાન કામ કરી ગયો, મજબૂત સ્થિતિમાં રહેલી પાકિસ્તાન ટીમ એકઝાટકે થઇ ભોંય ભેગી 1 - image

T20 World Cup 2024 IND Vs PAK : ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડકપ-2024ની ગ્રૂપ સ્ટેજની મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે છ રનથી મેચ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ વિશ્વકપમાં સતત બીજી મેચ જીતી લીધી છે. પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનો 119 રનમાં ધબડકો થતા, એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાન સરળતાથી મેચ જીતી લેશે. જો ભારતના બોલરોની દમદાર બોલિંગે હાર તરફ જતી મેચ જીતમાં ફેરવી નાખી હતી. બીજીતરફ પાકિસ્તાને પણ સારી શરૂઆત કરી હતી. પરંતુ આ મેચની ખાસ વાત એ છે કે, રોહિત શર્મા (Rohit Sharma)એ પિચની સ્થિતિ જાણી લીધી હતી અને મેચ પર કેવી રીતે પક્કડ જમાવવી તેની અગાઉથી રણનીતિ બનાવી દીધી હતી.

રોહિતને મેચ જીતવાનો વિશ્વાસ હતો

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, ‘અમારા બેટરોએ સારી બેટીંગ કરી નથી. ટીમ ઈન્ડિયાને મોટી પાર્ટનરશીપની જરૂર હતી, પરંતુ અમે નિષ્ફળ ગયા હતા. અગાઉની નબળી પીચ કરતા આ વખતની પીચ સારી હતી, તેમ છતાં અમે જરૂરી રન બનાવી શક્યા ન હતા.’ રોહિતે પોતાની રણનીતિ અંગે કહ્યું કે, જ્યારે પાકિસ્તાનની ટીમ બેટીંગ કરવા આવી ત્યારે મેં તમામ ખેલાડીઓને એક સાથે બોલાવ્યા હતા અને કહ્યું કે, જો આપણી સાથે આવું થઈ શકે છે, તો તેમની સાથે કેમ નહીં?  ત્યારબાદ અમારા બોલરોએ દમદાર બોલિંગ કરી હતી. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની બોલિંગ તો કમાલની હતી. અમે જાણતા હતા કે, બુમરાહ શું કરી શકે છે અને તેણે કરીને બતાવ્યું. અમે બુમરાહ પાસે અપેક્ષા રાખીએ છીએ કે, તે વિશ્વકપની તમામ મેચોમાં આવુ પ્રદર્શન કરતો રહે.

ટીમ ઈન્ડિયા ટોચના ક્રમે

ભારત અને પાકિસ્તાન, બંનેની આ બીજી મેચ હતી. ભારતે અગાઉ આયર્લેન્ડે હરાવ્યા બાદ ગઈકાલે પાકિસ્તાન હરાવ્યું હતું, જેના કારણે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે આવી ગયું છે. જ્યારે પાકિસ્તાને તેની બંને મેચો ગુમાવી દીધી છે. હવે લગભગ પાકિસ્તાન સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવ્યા બાદ ગ્રૂપ-એમાં યુએસએને પછાડી પહેલા સ્થાને પહોંચી ગયું છે. ભારતનો આગામી મુકાબલો યુએસએ સામે થશે.

ભારત માટે યાદગાર મેચ

ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને ટી-૨૦ વર્લ્ડ કપની સુપર ઓવરમાં છ રનથી પરાજય આપીને આઈ.સી.સી. ટુર્નામેન્ટમાં તેઓનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતનો આ વિજય તે રીતે યાદગાર રહેશે કે, પાકિસ્તાનને ૧૨૦ રનનો ટાર્ગેટ જ આપ્યો હતો, તો પણ તેઓ ૨૦ ઓવરના અંતે ૭ વિકેટે ૧૧૩ રન જ બનાવી શક્યા હતા. ન્યૂયોર્કમાં બંને વચ્ચેની આંતરરાષ્ટ્રીય મેચ સૌ પ્રથમ હોઈ અમેરિકાના દૂરના રાજ્યોથી અને ઘણા ભારત અને પાકિસ્તાનથી ખાસ મેચ જોવા આવ્યા હતા.

પાકિસ્તાનને ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થવાનો ભય

ભારતના બોલરો વિશેષ કરીને બુમરાહ ૪ ઓવરમાં ૧૪ રન ૩ વિકેટ અને હાર્દિક પંડ્યાએ ૨૪ રનમાં બે વિકેટ તો લીધી જ પણ બેટ્સમેનોને બાંધી રાખી રન રેટનું દબાણ વધાર્યું હતું. જાડેજા અને અક્ષર પટેલે કુલ ૪ ઓવરમાં ૨૧ રન જ આપ્યા હતા. પાકિસ્તાનને વધુ નિરાશા થઈ હશે તેનું એ જ કારણ એ પણ હતું કે ૧૨.૧ ઓવરોમાં તેઓનો સ્કોર ૨ વિકેટે ૭૩ રન હતો. તે પછી ૪ વિકેટો તેઓએ ૪૦ રનમાં ગુમાવી હતી. આ પરાજય સાથે ભારતના ચાહકોએ રવિવારની રજા હોઈ મેચ બાદ ઉજવણી અને પાર્ટી કરી હતી. પાકિસ્તાન પર ગ્રુપ સ્ટેજમાં જ બહાર ફેંકાવાનો ભય વધ્યો છે.

નસીમ અને રઉફેનો તરખાટ જોવા મળ્યો

જેની ચાહકોને લાંબા અરસાથી ઇંતેજાર હતી તેવી મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ કમાલ બતાવતા ભારત ટી-૨૦ વર્લ્ડ કપમાં તેની ગ્રુપ મેચમાં ૧૯ ઓવરોમાં ૧૧૯ રનમાં જ ખખડી ગયું હતું. નસીમ અને રઉફે ત્રણ ત્રણ વિકેટ લીધી અને તરખાટ મચાવ્યો હતો. આમીરે બે બોલમાં બે વિકેટ લીધી હતી. ભારત તરફથી એકલા પંતે પ્રતિકાર કરતા ૩૧ બોલમાં છ ચોગ્ગા સાથે ૪૨ રન કર્યા હતા. ૧૨૦ના ટાર્ગેટ સામે પાકિસ્તાને ૧૧ ઓવરોના અંતે ૨ વિકેટે ૩૫ રન કર્યા હતા. પીચ પર અમૂક બોલ અચાનક નીચા થઈ જાય તો અમુક બોલ પીચ પડ્યા પછી એકદમ ધીમા થઈ જાય તો કેટલાક ઉછાળ મેળવતા હતા.

પાકિસ્તાનો ટોસ જીતી બોલિંગ પસંદ કરતા ભારતને ફાયદો થયો

ટોસ જીતીને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ન્યુયોર્કના નાસાઉ સ્ટેડિયમની ડ્રોપ ઈન પીચની આમ પણ બેહુ ટીકા થઈ છે. તેમાં પણ વરસાદી અસર સુસવાટાભર્યો પવન અને વાદળ છાયુ વાતાવરણ ઉમેરાયુ હતું જેને કારણે બેટિંગ કરવી કઠીન હતી. તે રીતે જોઈએ તો પાકિસ્તાન ટોસ જીત્યો તે ઘણું જ ફાયદો કરાવનાર જણાયું.


Google NewsGoogle News