IPL પછી પણ નહીં ઓછું થાય હાર્દિક પંડ્યાનું ટેન્શન? જાણો કેમ લટકી રહી છે તલવાર
T20 World Cup 2024 Hardik Pandya: T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાનું ટૂંક સમયમાં એલાન કરવામાં આવશે. એ કયા 15 ખેલાડીઓ હશે જેમની જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવશે. જોકે, તેના માટે સિલેક્ટર્સની નજર સતત IPLની ચાલી રહેલી મેચો પર છે.
હાર્દિક પંડ્યા માટે IPL 2024ની સિઝન સારી નથી રહી
આ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે IPL 2024ની સિઝન સારી નથી રહી અને આ સાથે જ T20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવા પર પણ સસ્પેન્સ બની રહ્યું છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024ની શરૂઆતથી જ ખરાબ ફોર્મમાં નજર આવી રહ્યો છે તે IPL મેચોમાં બેટ અને બોલથી સારું પ્રદર્શન નથી કરી શક્યો. CSK સામે મેચમાં એક ઓવરમાં તેણે જે રીતે 26 રન આપ્યા તેનાથી તેની બોલિંગ પર પણ વધુ સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની પસંદગી પર તલવાર લટકી રહી છે.
T20 વર્લ્ડ કપની તૈયારીમાં BCCI અને સિલેક્શન કમિટી
પ્રાપ્ત માહિતી પ્રમાણે T20 વર્લ્ડ કપ 2024ની ટીમ સિલેક્શન માટે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર વચ્ચે મીટિંગ થઈ હતી. એક અહેવાલ પ્રમાણે હાર્દિક પંડ્યાની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી તેની બોલિંગ પર નિર્ભર છે. અહેવાલ પ્રમાણે હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમમાં વાપસી કરવા માટે સતત બોલિંગ કરવી પડશે. મીટિંગ દરમિયાન એ બાબતે ઘણી ચર્ચા થઈ હતી કે એક એવો ખેલાડી જોઈએ જે સીમ બોલિંગની સાથે-સાથે મિડલ ઓર્ડરમાં બેટિંગ પણ કરી શકે.
હાર્દિક પંડ્યા કેપ્ટનશીપમાં ફ્લોપ
આ વખતે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળવાની તક મળી છે. તેની કેપ્ટનશીપમાં MI ટીમ સતત ત્રણ મેચ હારી હતી. ત્યારબાદ પણ માત્ર બે જ મેચમાં જીત મળી. ટીમ હાલમાં બે મેચ જીતીને ચાર પોઈન્ટ લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગના પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. જો ટીમ અહીંથી જીતના પથ પર આગળ વધે તો જ તે ટોપ 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકશે. એટલું જ નહીં મુંબઈના કેપ્ટન બન્યા બાદ સ્ટેડિયમમાં દર્શકો પણ હાર્દિકને સતત ટ્રોલ કરી રહ્યા છે. આ વાત હવે કોઈનાથી છુપાયેલી નથી રહી. દિગ્ગજ ખેલાડીઓ આ બાબતે સતત પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
હાર્દિક પંડ્યા આ સિઝનમાં ખરાબ ફોર્મમાં
હાર્દિકની સમસ્યા એ છે કે તેની ટીમ સારૂ પ્રદર્શન નથી કરી રહી. આ ઉપરાંત હાર્દિકે પોતે પણ તેના બેટથી કોઈ મેચ વિનિંગ ઈનિંગ્સ નથી બનાવી. રવિવારે સાંજે CSK સામે રમાયેલી મેચને લઈએ તો પંડ્યાએ પોતે છેલ્લી ઓવરમાં બોલિંગ કરી હતી. પરંતુ ધોનીએ બેક ટુ બેક 3 સિક્સર ફટકાર્યા હતા. આ ઓવરમાં પંડ્યાની લાઈન અને લેન્થ પણ બગડેલી નજર આવી હતી. આ છેલ્લી ઓવરના કારણે જ મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો.
BCCIની સિલેક્ટર્સ કમિટી ઈચ્છે છે કે ટીમમાં એક એવો પેસ બોલર હોવો જોઈએ જે છેલ્લી ઓવરમાં આવીને બેટિંગ પણ કરી શકે. તેનાથી ટીમનું બેલેન્સ બનશે. આ સાથે જ કેપ્ટન પાસે બોલિંગના કુલ 6 વિકલ્પો હશે. હાર્દિક પંડ્યા આમાં ફિટ બેસે છે પરંતુ સમસ્યા એ છે કે ન તો તે બેટિંગ કરી રહ્યો છે અને ન તો તે તેની બોલિંગથી કોઈ પરાક્રમ કરી રહ્યો.