T20 World cup 2024 : ફાઈનલમાં ભારતના આ 3 ખેલાડી બની શકે છે દક્ષિણ આફ્રિકા માટે ખતરો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
ICC Men's T20 Cricket World Cup Semi-Final Match Between India And England
Image : IANS

IND vs SA T20 World Cup Final 2024: ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી વખત ફાઈનલમાં પહોંચી છે. રસપ્રદ વાત એ છે કે બંને ટીમ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે અને બંનેની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. ત્યારે બંને ટીમો વચ્ચે રોમાંચક ફાઈનલ જોવા મળી શકે છે. ભારત પાસે ત્રણ શાનદાર ખેલાડી છે જે દક્ષિણ આફ્રિકા માટે ખતરો બની શકે છે. 

ભારત આ ત્રણ ખેલાડી ગમે ત્યારે બાજી પલટી શકે

આજે વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાર્બાડોસના બ્રિજટાઉન મેદાનમાં રાત્રે 8 વાગ્યાથી શરુ થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 T20I મેચ રમાઈ છે. જેમાં ભારતે 14 જ્યારે દક્ષિણ આફ્રિકાએ 11 મેચ જીતી છે. ભારત પાસે 3 ખેલાડી એવા છે કે ગમે ત્યારે મેચની બાજી પલટી શકે છે. જેમાં રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. હાલ આ ત્રણેય ખેલાડી શાનદાર ફોર્મમાં છે. જે પોતાની ખતરનાક રમતથી દક્ષિણ આફ્રિકાની ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અને ભારતને T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં મદદ કરી શકે છે. 

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતવી હોય તો સુધારવી પડશે સેમિ ફાઈનલમાં કરેલી આ 3 ભૂલો

રોહિત શર્મા

ભારતીય ટીમનો ડેશિંગ કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. હિટમેન શાનદાર ફોર્મમાં છે અને જો તે શરૂઆતથી જ આક્રમક રીતે રમે તો તે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરો પર દબાણ બનાવી શકે છે. રોહિત શર્માના પ્રદર્શનથી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે મોટો સ્કોર કરી શકે છે. જો રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે 60થી 70 કે તેથી વધુ રન બનાવી લે છે તો ભારતને ટ્રોફી જીતતા કોઈ રોકી શકશે નહીં. રોહિત શર્માએ છેલ્લી સતત બે મેચમાં 41 બોલમાં 92 અને 39 બોલમાં 57 રન બનાવ્યા છે. રોહિત શર્માની આ 2 ઇનિંગ્સ અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો સામે આવી છે.

કુલદીપ યાદવ

રોહિત બાદ આફ્રિકામાં બીજો મોટો ખતરો હોય તો તે કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવ તેની ઘાતક સ્પિન બોલિંગથી સાઉથ આફ્રિકાના બેટરોને પરેશાન કરી શકે છે. દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન મીડલ ઓવરોમાં કુલદીપની મોટી ભૂમિકા રહેશે. જો કુલદીપ યાદવ આફ્રિકાના સુકાની એડન માર્કરામ, હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરની ત્રિપુટીને સસ્તામાં આઉટ કરવામાં સફળ રહે છે, તો ભારત આ મેચમાં દક્ષિણ આફ્રિકા પકડ મજબૂત કરી લેશે. કુલદીપ યાદવે ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ

ભારતની ફાસ્ટ બોલિંગ આક્રમણનો દારોમદાર જસપ્રીત બુમરાહ પર રહેશે. બુમરાહ ભારતના સૌથી મોટા મેચ વિનિંગ ખેલાડીઓમાંથી એક છે. તે આ T20 વર્લ્ડ કપમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બુમરાહના બોલને સમજીને રમવું એ વિરોધી ટીમના બેટરો માટે અઘરું કામ છે. બુમરાહ શરુઆતની અને ડેથ ઓવરમાં વિકેટ ઝડપવામાં માહિર છે. એટલે આફ્રિકાના બેટરો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જસપ્રીત બુમરાહે આ વર્લ્ડ કપની 7 મેચમાં 13 વિકેટ ઝડપી છે.

T20 World cup 2024 : ફાઈનલમાં ભારતના આ 3 ખેલાડી બની શકે છે દક્ષિણ આફ્રિકા માટે ખતરો 2 - image


Google NewsGoogle News