'ટીમમાં સુપરસ્ટાર હોવાથી ફેર નથી પડતો...' T20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયાને દિગ્ગજની ચેતવણી
T20 World Cup 2024 : ICC T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો જોરશોરથી તૈયારીમાં વ્યસ્ત છે. વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ICC ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ ઇન્ડિયા ટ્રોફી જીતવાથી એક પગલું દૂર રહી ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કરોડો ચાહકોને આશંકા છે કે ભારતીય ટીમ ફરીથી એવી જ ભૂલ કરી શકે છે જેવી તેણે ODI વર્લ્ડ કપમાં કરી હતી. આ મામલે હવે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાને મોટી ચેતવણી આપી છે.
નોકઆઉટ મેચો માટે ટીમ ઈન્ડિયા કેટલી તૈયાર છે?
જ્યારે બ્રાયન લારાને ભારતીય ટીમ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે જો કે ભારતીય ટીમની તૈયારી સારી જ હોય છે, પરંતુ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની તૈયારી નથી હોતી. ભારત વનડે વર્લ્ડ કપમાં પણ ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ તે પછી તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં કેટલા સુપરસ્ટાર છે તેનાથી કોઈ ફરક પડતો નથી, અહીં મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા નોકઆઉટ મેચ માટે કેટલી તૈયાર છે. મને વિશ્વાસ છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પોતાની ટીમને સાથે લાવશે અને વર્લ્ડ કપ જીતવા માટે એક શાનદાર યોજના બનાવશે.
ટીમ ઈન્ડિયાની નજર બેસ્ટ કોમ્બિનેશન પર
ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. 1 જૂન એટલે કે આવતીકાલે ભારતીય ટીમે વર્લ્ડ કપ પહેલા એકમાત્ર વોર્મ-અપ મેચ રમવાની છે. આ મેચ બાંગ્લાદેશ સામે રમાશે. ત્યારપછી ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ 11 સાથે મેદાન પર આવે છે. BCCIએ ભારતીય ટીમ માટે જે ટીમ બહાર પાડી છે તે ઘણી શાનદાર છે. આવી સ્થિતિમાં તે 15 ખેલાડીઓમાંથી કયા 4 ખેલાડીઓને બહાર કરવા તે પણ મોટો પ્રશ્ન છે.