બાબર આઝમે ધોનીના જુના રેકોર્ડને ધ્વસ્ત કર્યો, T20 વર્લ્ડ કપમાં આ મામલે નંબર-1 બન્યો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
બાબર આઝમે ધોનીના જુના રેકોર્ડને ધ્વસ્ત કર્યો, T20 વર્લ્ડ કપમાં આ મામલે નંબર-1 બન્યો 1 - image


T20 World Cup 2024: પાકિસ્તાનની ક્રિકેટ ટીમની T20 વર્લ્ડકપની સફર બે દિવસ અગાઉની મેચમાં વરસાદને પગલે સમાપ્ત થઈ હતી. જોકે આયર્લેન્ડ સામેની અંતિમ ઔપચારિક મેચમાં પણ પાકિસ્તાની હાલત કફોડી બની હતી. અંતે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની જીત સાથે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો અંત કર્યો હતો. રફતારના જાદુગરની ટેગ લાઈન સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરનાર પાકિસ્તાનની સમગ્ર ટીમ લયમાં નહોતી જોવા મળી અને અંતિમ મેચમાં પણ સ્થિતિ આવી જ કઈંક હતી.

107 રન ચેઝ કરતા આયર્લેન્ડ સામે પણ પાક મુશ્કેલીમાં મુકાયું હતુ, પરંતુ બાબર આઝમની લડાયક કેપ્ટનશીપની ઇનિંગ્સના આધારે ટીમે 3 વિકેટે જીત હાંસલ કરી હતી. બાબરે આયર્લેન્ડ સામેની મેચમાં સર્વાધિક 32 રનની ઇનિંગ રમીને લો સ્કોરિંગ મુકાબલામાં ટીમને જીત તરફ દોરી હતી. આ 32 રન સાથે બાબરે ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે એમસ ધોનીને પાછળ રાખીને રેકોર્ડ નંબર-1 સ્થાન હાંસલ કર્યું છે.

હાઈએસ્ટ સ્કોરર કેપ્ટન :

બાબર આઝમ હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મેગા ટૂર્નામેન્ટમાં અત્યારસુધી રમાયેલી 17 ઇનિંગ્સમાં 36.60ની એવરેજ અને 111.35ની સ્ટ્રાઇક રેટ સાથે સૌથી વધુ 549 રન બનાવ્યા છે, જેમાં હાઈએસ્ટ સ્કોર 70 રન રહ્યો છે. બીજા ક્રમે પહોંચેલા ધોનીએ ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ભારત માટે 29 ઇનિંગ્સમાં 529 રન બનાવ્યા હતા.

બાબર અને ધોની ઉપરાંત ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન, શ્રીલંકાના મહેલા જયવર્દને અને દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ પણ ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ-5માં છે.

T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન -

  • બાબર આઝમ (પાકિસ્તાન) - 17 ઇનિંગ્સમાં 549 રન
  • એમએસ ધોની (ભારત) - 29 ઇનિંગ્સમાં 529 રન
  • કેન વિલિયમસન - 19 ઇનિંગ્સમાં 527 રન
  • મહેલા જયવર્દને (શ્રીલંકા) – 11 ઇનિંગ્સમાં 360 રન
  • ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા) - 16 ઇનિંગ્સમાં 352 રન

મહામુસીબતે જીતી મેચ :

પાકિસ્તાન vs આયર્લેન્ડ મેચની વાત કરીએ તો આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આયરિશ ટીમે પાકિસ્તાનને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરવા આવેલી પાકિસ્તાની ટીમને ધીમી શરૂઆત મળી હતી અને એક સમયે ટીમ 62/6 પર હતી. ત્યારબાદ બાબરે અબ્બાસ આફ્રિદી સાથે 33 રનની મહત્વની ભાગીદારી કરી અને બાદમાં શાહીન આફ્રિદીની ફટકાબાજીએ ટીમને જીત અપાવી હતી.


Google NewsGoogle News