T-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની જીત સાથે ઈંગ્લેન્ડ પણ સુપર-8માં, સ્કોટલેન્ડ અપસેટ સર્જતા રહી ગયું
T-20 World Cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની જીતથી ઈગ્લેન્ડનું પણ સુપર-8માં સ્થાન પાકુ થઈ ગયું છે. . ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને માર્કસ સ્ટોઇનિસે ફિફ્ટી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાની જીતથી ઈંગ્લેન્ડની ટીમને પણ રાહત
આજે રમાયેલી મેચમાં એક સમયે સ્કોટલેન્ડના પ્રદર્શનથી એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા હારી જશે અને ઈંગ્લેન્ડ બહાર ફેંકાઈ જશે. જો કે ઓસ્ટ્રેલિયાના વિજયથી જોસ બટલરની ટીમને પણ રાહત થઈ છે. ઈંગ્લેન્ડને સુપર-8માં પહોંચવા માટે સ્કોટલેન્ડની હાર જરૂરી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ધરખમ ટીમ સામે સાવ નબળી ગણાતી ટીમ સ્કોલેન્ડે ધારદાર પ્રદર્શનથી સૌને ચોંકાવ્યા હતા અને T20 વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.
ટ્રેવિસ હેડ અને માર્કસ સ્ટોઇનિસે ફિફ્ટી ફટકારી
ઓસ્ટ્રેલિયા સામે સ્કોટલેન્ડની હાર સાથે એ નક્કી થઈ ગયું હતું કે ગ્રુપ બીમાંથી સુપર-8માં જનારી બે ટીમો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ હશે. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને માર્કસ સ્ટોઇનિસે ફિફ્ટી ફટકારી હતી. હેડે 65 અને સ્ટોઇનિસે 59 રનની તોફાની ઇનિંગ રમી હતી.