Get The App

T20 વર્લ્ડકપમાં USAએ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં સુપરઓવરમાં પાકિસ્તાનને પછાડ્યું

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપમાં USAએ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં સુપરઓવરમાં પાકિસ્તાનને પછાડ્યું 1 - image

Image : IANS



ICC T20 World Cup 2024 | T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચ અમેરિકા (USA) અને પાકિસ્તાન વચ્ચે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. 

પાકિસ્તાને પહેલી બેટિંગ કરી હતી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. સ્કોરનો પીછો કરવા ઉતરેલી અમેરિકન ટીમ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. આ પછી સુપર ઓવર રમાઈ હતી.

સુપર ઓવરમાં જંગ જામ્યો 

સુપર ઓવરમાં અમેરિકા તરફથી એરોન જોન્સ અને હરમીત સિંહ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને 19 રનનો ટાર્ગેટ આપ્યો. આ પછી 19 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બોલમાં 13 રન જ બનાવી શકી હતી. સુપર ઓવરમાં પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદ અને ફખર ઝમાન બેટિંગ કરવા આવ્યા હતા, જ્યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરી હતી.

અમેરિકાએ અમારા કરતા સારી રમત રમીઃ બાબર આઝમ

અહેવાલ અનુસાર, મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે તે સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યો. અમેરિકાએ મેચમાં અમારા કરતા સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. તેણે કહ્યું કે પ્રથમ બેટિંગ કરતી વખતે અમે પ્રથમ 6 ઓવરમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. સતત 2 વિકેટ પડવાને કારણે બેક ફૂટ પર આવ્યા. મેચ બાદ બાબરે કહ્યું કે અમારા સ્પિનરો પણ વચ્ચેની ઓવરોમાં વિકેટ નહોતા લઈ શક્યા જે મોંઘુ પડ્યું. 

12 જૂને અમેરિકા ભારત સામે ટકરાશે

ઉલ્લેખનીય છે કે ભારત સામેની મેચ પહેલા અમેરિકા 2 મેચમાં 2 જીત સાથે ગ્રુપ Aમાં ટોપ પર પહોંચી ગયું છે. અમેરિકાએ તેની પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની આગામી મેચ 9 જૂને ભારત સામે છે. જ્યારે 12 જૂને અમેરિકા ભારત સામે ટકરાશે.

T20 વર્લ્ડકપમાં USAએ કર્યો મોટો ઉલટફેર, રોમાંચક મેચમાં સુપરઓવરમાં પાકિસ્તાનને પછાડ્યું 2 - image


Google NewsGoogle News