ઈતિહાસમાં પહેલીવાર 20 ટીમો રમશે T-20 વર્લ્ડકપ: US-કેનેડા સહિત આ ત્રણ ટીમો કરશે ડેબ્યૂ
Image Twitter |
ICC T20 World Cup 2024 Debut Teams : T20 વર્લ્ડ કપ 2024 ની શરુઆત 1 જૂન એટલે કે આજથી થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં યોજાઈ રહી છે. પહેલી મેચ ડલાસમાં અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. અમેરિકામાં સમયના તફાવત હોવાના કારણે ભારતમાં T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર એવુ બની રહ્યું છે કે જ્યારે 16થી વધુ ટીમો મેદાનમાં ઉતરશે. આ વખતે ત્રણ નવી ટીમો પણ જોડાઈ છે, જે ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરશે.
1. યુગાન્ડા
યુગાન્ડા આ વર્ષે 2024માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે. આફ્રિકા ક્વોલિફાયરમાં યુગાન્ડાએ રવાંડાને 9 વિકેટે હરાવીને T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. યુગાન્ડાએ પણ ઝિમ્બાબ્વેને હરાવીને રેકોર્ડ બનાવ્યો છે. યુગાન્ડા નામ વિશ્વના સૌથી ગરીબ દેશોમાં આવે છે. ત્યાં દેશની મોટાભાગની વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહે છે. આવી સ્થિતિમાં ટીમ માટે આટલા મોટા મંચ પર રમવું ખરેખર મોટી વાત હશે. યુગાન્ડાને ગ્રૃપ 'સી' માં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાપુઆ ન્યુ ગિની અને વેસ્ટ ઈન્ડિઝની સાથે રાખવામાં આવ્યું છે.
2. અમેરિકા
આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે. આ સાથે અમેરિકાએ યજમાન તરીકે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું. અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે દેશને યજમાન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા દરેક લીગ મેચો માત્ર અમેરિકામાં જ રમશે. તેમજ ટૂર્નામેન્ટની પહેલી મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. જ્યારે અમેરિકાને ટુર્નામેન્ટના ગ્રુપ 'એ'માં સમાવેશ કરવામાં આવ્યો છે.
3. કેનેડા
કેનેડાની ક્રિકેટ ટીમ ચાર વખત ODI વર્લ્ડ કપનો ભાગ બની ચૂકી છે, પરંતુ ટીમ પહેલીવાર T20 વર્લ્ડ કપ માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમી રહેલા કેનેડાને 2024માં યોજાનારી ટુર્નામેન્ટ માટે ગ્રુપ 'A'માં રાખવામાં આવ્યું છે. ગ્રુપ 'A'માં કેનેડા ઉપરાંત ભારત, પાકિસ્તાન, અમેરિકા અને આયર્લેન્ડનો સમાવેશ છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ડલાસમાં કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે.