42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલકતાની મેચમાં અનેક રેકોર્ડની વણઝાર
T20 highest chase score: ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં એવું થયું હતું કે જે T20 ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી નથી થયું. કાલની મેચમાં પંજાબે અત્યાર સુધીનો મોટો રન ચેઝ કર્યો હતો. મેચમાં જોની બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી, જેના કારણે પંજાબ કિંગ્સે T20 ક્રિકેટમાં સૌથી વધુ રનચેઝનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે આઠ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો અને તેને 8 વિકેટે હરાવ્યો હતો.
કોલકાતાનો 262 રનનો ટાર્ગેટ પંજાબે 18.4 ઓવરમાં પાર કર્યો
બેરસ્ટોના 9 છગ્ગા અને 8ચોગ્ગા સાથે 48 બોલમાં અણનમ 108 રન તેમજ શશાંક સિંધના 28 બોલમાં 68* અને પ્રભસિમરનના 20 બોલમાં 54ની મદદથી પંજાબ કિંગ્સ T20 ના ઈતિહાસનો સર્વોચ્ચ રનચેઝનો રેકોર્ડ સર્જતાં કોલકાતાને 8 બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી હરાવ્યું હતુ. જીતવા માટેના 282 ના ટાર્ગેટને પંજાબે 18.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. કોલકાતાની ઈનિંગમાં 18 અને પંજાબની ઈનિંગમાં કુલ 24 છગ્ગા નોંધાયા હતા. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કુલ 42 છગ્ગા નોંધાતા વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
પંજાબનો સીમાચિહ્નરૂપ વિજય થયો
જીતવા માટેના 262ના વિરાટ પડકારનો પીછો કરવા ઉતરેલા પંજાબ તરફથી પ્રભસિમરન અને બેરસ્ટોએ 36 બોલમાં 96 રનની ભાગીદારી કરી હતી. બેરસ્ટોએ રોસોયુ સાથે 39 બોલમાં 85, અને શશાંક સિંઘ સાથે 37 બોલમાં અણનમ 84 ૨ન જોડતાં પંજાબને સીમાચિહ્નરૂપ વિજય અપાવ્યો હતો. શશાંકે આઠ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 28 બોલમાં 68 રન અણનમ રહીને ફટકાર્યા હતા.
અગાઉ 26 માર્ચે 2023માં થયો હતો સૌથી મોટો રનચેઝ
અગાઉ ગયા વર્ષે 26 માર્ચે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 259/4નો સ્કોર કરીને T20 રનનો સૌથી મોટો રનચેઝ કર્યો હતો. IPLમાં, રાજસ્થાન રોયલ્સે 16 એપ્રિલ 2024ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે KKR સામે 224 રનચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રીતે રાજસ્થાને તેની 4 વર્ષ જૂની મેચમાં ચેઝની બરાબરી કરી લીધી હતી.
સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં 42 સિક્સ ફટકારવામાં આવી હતી, જે અત્યાર સુધીના T20 મેચમાં સૌથી વધુ છે. આનાથી ગયા મહિને હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં ફટકારવામાં આવેલા કુલ 38 સિક્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ફટકારવામાં આવેલા કુલ 38 સિક્સરને પાછળ છોડી દીધા છે.
T20માં એક ટીમ દ્વારા સૌથી વધુ સિક્સ
પંજાબ કિંગ્સે કોલકાતા સામે કુલ 24 છગ્ગા ફટકાર્યા, જે ગયા વર્ષે મંગોલિયા સામે નેપાળની 26 છગ્ગા પછી T20માં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી વધુ સિક્સર છે. કિંગ્સની 24 સિક્સ એ IPL મેચમાં એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે, જેણે ગયા અઠવાડિયે RCB અને દિલ્હી કેપિટલ્સ સામે SRHનો 22 સિક્સરનો રેકોર્ડ તોડ્યો હતો.
IPLમાં સૌથી સફળ રન ચેઝ
262 - પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, આઈપીએલ 2024
224 - રાજસ્થાન રોયલ્સ વિ પંજાબ કિંગ્સ, શારજાહ, 2020
224 - રાજસ્થાન રોયલ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, 2024
219 - મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી, 2021