વર્લ્ડકપની એક ટ્રોફી ભારતમાં રહેશે અને એક દુબઈ! જાણો કેમ રાખવામાં આવે છે બે-બે ટ્રોફી
T 20 world cup Trophy: ભારતે 17 વર્ષ બાદ T-20 વર્લ્ડ કપ જીત્યો અને હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારત પરત આવી ગઈ છે. ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી હતી, અને તે પછી મુંબઈમાં ટીમ ઈન્ડિયા વિજય પરેડ કરી હતી. વિક્ટરી પરેડમાં સમગ્ર ભારતની નજર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ઉત્સાહ અને ક્રિકેટ ટીમે જીતેલી ટ્રોફી પર હતો. પરંતુ, શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયા જે ટ્રોફી લઈને જઈ રહી છે, તેવી જ બીજી ટ્રોફી પણ છે જે દુબઈમાં જ રહેશે. આવો આજે જાણીએ શું છે, આ બંને ટ્રોફીની હકીકત.
શું ત્યાં બે ટ્રોફી છે?
ICC દ્વારા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઘણી મેચો હોય છે અને પછી તેમાથી વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી આપવામાં આવે છે. ખરેખર, ICC પાસે બે ટ્રોફી છે. ટ્રોફી એવી છે જેનો ઉપયોગ ICC દ્વારા પ્રચારમાં કરવામાં આવે છે. તમે જોયું હશે કે, જ્યારે પણ વર્લ્ડ કપ થાય છે, તેના થોડા દિવસો પહેલા વિશ્વ કપની ટ્રોફી વિશ્વભરમાં ફરે છે.
T20 વર્લ્ડ કપ ટ્રોફીમાં શું છે ખાસ?
આ વખતે પણ વર્લ્ડ કપ પહેલા ICCએ ટ્રોફી ટૂર શરૂ કરી હતી, ત્યારબાદ આ ટ્રોફીએ આખી દુનિયાનો પ્રવાસ કર્યો. આ ટ્રોફી માત્ર એ જ દેશોમાં જતી નથી જ્યાં ટીમો મેચ રમે છે. આ સિવાય આ ટ્રોફી ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. અને એ પછી ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ આ ટ્રોફીને ICC હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે, જે દુબઈમાં આવેલું છે.
આ વચ્ચે હવે પ્રશ્ન એ થાય કે, તો બીજી ટ્રોફી કઈ છે? તેના જવાબમાં તમને જણાવી દઈએ કે ICC દ્વારા દરેક ટૂર્નામેન્ટ માટે એક ટ્રોફી તૈયાર કરાવવામાં આવે છે, આ ટ્રોફી વિજેતા ક્રિકેટ ટીમના કેપ્ટનને આપવામાં આવે છે. આ ટ્રોફી ટીમ પોતાની સાથે લઈને જાય છે.
જોકે, આ બંને ટ્રોફી દેખાવમાં તો એક સમાન જ લાગે છે, પરંતુ તેમની વચ્ચેનો તફાવત એ છે કે ICC ટ્રોફી પર ICC નો લોગો છે, જ્યારે ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે, તેના પર વર્ષના વર્લ્ડ કપનો લોગો હોય છે. અને આ બંને ટ્રોફી અસલી હોય છે.
2011માં થઈ હતી બબાલ
વર્ષ 2011માં જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે એવા સમાચાર બહાર આવ્યા હતા, એ વખતે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નકલી ટ્રોફી આપવામાં આવી હતી. હકીકતમાં તે વખતે એક ટ્રોફીને કસ્ટમમાં રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા. જો કે, ICCએ એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ભારતને જે ટ્રોફી આપવામાં આવી છે, તે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2011ની અસલી ટ્રોફી છે. આ એ જ ટ્રોફી છે, જે અમે ટૂર્નામેન્ટના અંતે વિજેતાને આપવા માંગતા હતા.
ICCએ જણાવ્યું હતું કે,જે ટ્રોફી ભારતને આપવામાં આવી હતી, તે ટ્રોફી પર ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2011નો વિશેષ લોગો છે. આ સાથે ICCએ કહ્યું હતું કે, જે ટ્રોફી મુંબઈના કસ્ટમમાં અટવાઈ છે, તે માત્ર પ્રચાર માટે તૈયાર કરવામાં આવેલી ટ્રોફી છે, જેને દુબઈમાં રાખવામાં આવે છે.