સુપર-8માં 'ટફ ફાઈટ', દ.આફ્રિકા સામે ઈંગ્લેન્ડનો રસપ્રદ મુકાબલામાં 7 રનથી પરાજય, ડીકૉક છવાયો
SA vs ENG T20 World Cup Super 8| નોર્જેએ આખરી ઓવરમાં તનાવ વચ્ચે વિજયી દેખાવ કરતાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામેની ટી-20 વર્લ્ડકપની સુપર 8ની મેચમાં સાત રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના 164ના ટાર્ગેટનો પીછો કરતાં ઈંગ્લેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 156 ૨ન નોંધાવી શક્યું હતુ.
સાઉથ આફ્રિકાની સુપર 8 રાઉન્ડમાં બીજી અને ઓવર ઓલ છઠ્ઠી જીત હતી અને તેઓ સેમિફાઈનલમાં લગભગ નક્કી મનાય છે. એક સમયે ઈંગ્લેન્ડ 61/4 ૫ર ફસડાયું પડ્યું હતું. તે પછી બ્રૂકે 37 બોલમાં 7 ચોગ્ગા સાથે 53 તેમજ લિવિંગસ્ટને 17 બોલમાં 33 ૨ન નોંધાવીને જીતની આશા જીવંત રાખી હતી.
આખરી ઓવરમાં ઈંગ્લેન્ડને 14 ૨નની જરુર હતી, ત્યારે નોર્જેએ સેટ થયેલા બ્રૂકને પહેલા બોલે આઉટ કર્યો હતો. ત્યારબાદ આર્ચરે સિંગલ લીધો હતો અને સેમ કરને ચોગ્ગો ફટકાર્યો હતો. હવે 3 બોલમાં 9 ૨નની જરુર હતી, ત્યારે નોર્જેએ ડોટબોલ નાંખ્યા બાદ સિંગલ આપ્યો હતો અને છેલ્લો બોલ પણ ડોટ રહેતા સાઉથ આફ્રિકા 7 રનથી જીત્યું હતું.
ઈંગ્લેન્ડના કેપ્ટન બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. શરૂઆતની 8 ઓવરમાં તો ખાસ કરીને ડીકોકે જે રીતે આક્રમક બેટિંગ કરી જેના લીધે દ.આફ્રિકાનો સ્કોર 9.4 ઓવરના અંતે વિના વિકેટે 86ને વટાવી ગયો હતો. ઓપનર હેન્ડ્રિક્સ 9.5મી ઓવરમાં મોઈન ખાનનો શિકાર થયો હતો અને ત્યારબાદ ઈંગ્લેન્ડના બોલરોએ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. સ્કોર 11.5 ઓવરોમાં 2 વિકેટે 92 ૨ન થયો હતો. ડી કોકે 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 38 બોલમાં 65 ૨ન કર્યા હતા. જ્યારે કલાસેનને હેન્રીક્સની વિકેટ પડતા જ વન ડાઉન મોકલાયો હતો. તેને બટલરે રન આઉટ કર્યો. તે 13 બોલમાં 8 ૨ન જ કરી શક્યો હતો. ત્યારબાદ મિલરે લડાયક ઈનિંગ રમીને 28 બોલમાં 43 રન કર્યા હતા. જેની મદદથી દ.આફ્રિકાનો સ્કોર 163 સુધી પહોંચ્યો હતો.