સેમિફાઇનલમાં પંડ્યા બ્રધર્સ VS શ્રેયસ અય્યર... રોચક બની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની જંગ
Syed Mushtaq Ali Trophy: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બંને સેમિફાઈનલ શુક્રવારે બેંગ્લોરમાં રમાશે. પ્રથમ સેમિફાઈનલમાં મુંબઈની ટીમનો સામનો બરોડા સામે થશે જ્યારે બીજી સેમિફાઈનલ દિલ્હી અને મધ્યપ્રદેશ વચ્ચે રમાશે. મુંબઈની કેપ્ટનશીપ શ્રેયસ અય્યર કરી રહ્યો છે જ્યારે બરોડાની કેપ્ટનશીપ કૃણાલ પંડ્યાના હાથમાં છે. હાર્દિક પંડ્યા પણ બરોડા તરફથી રમતો જોવા મળશે, જે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બરોડા માટે નોકઆઉટમાં સ્થાન મેળવવું સરળ નહોતું. ગ્રુપ Bમાં તેના સૌરાષ્ટ્ર અને ગુજરાતની બરાબર 24 પોઈન્ટ હતા પરંતુ શ્રેષ્ઠ રન રેટના આધારે તે આગળ વધવામાં સફળ રહી હતી.
બરોડા પાસે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા T20ના દિગ્ગજ ખેલાડીઓ છે, પરંતુ તેમ છતાં તેનો કોઈ પણ ખેલાડી બેટ્સમેન કે બોલરોની યાદીમાં ટોપ 10માં સામેલ નથી. આ દર્શાવે છે કે બરોડાના તમામ ખેલાડીઓએ અત્યાર સુધી સારૂ યોગદાન આપ્યું છે જેના કારણે તેમની ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. બરોડા માટે ફાસ્ટ બોલર અતિત શેઠે 13 વિકેટ ઝડપી છે પરંતુ તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 11મા સ્થાન પર છે. યુવા બેટ્સમેન ભાનુ પાનિયાએ અત્યાર સુધી બરોડા માટે 271 રન બનાવ્યા છે પરંતુ તે બેટ્સમેનોની યાદીમાં 18મા સ્થાન પર છે.
મુંબઈના બેટ્સમેન અને બોલરોએ બેસ્ટ પ્રદર્શન કરવું પડશે
બંગાળ સામે ક્વાર્ટર ફાઈનલ મેચમાં બરોડાના તમામ ખેલાડીઓએ પોતાના તરફથી યોગદાન આપ્યું હતું, જેના કારણે ટીમ આ મેચ જીતવામાં સફળ રહી હતી. જ્યાં સુધી મુંબઈનો સવાલ છે તો તેને ગ્રુપ Eમાં કોઈ ખાસ પડકારનો સામનો નહોતો કરવો પડ્યો. તેણે વિદર્ભ સામે ક્વાર્ટર ફાઇનલમાં પ્રથમ વખત કોઈ પ્રકારના પડકારનો સામનો કરવો પડ્યો હતો. હવે મુંબઈને બરોડા તરફથી મળેલા મુશ્કેલ પડકારને પાર કરવો હોય તો તેના બેટ્સમેન અને બોલરોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
પ્રથમ સેમિફાઈનલ સવારે 11:00 વાગ્યે રમાશે
બીજી સેમિફાઇનલમાં દિલ્હીનું મધ્ય પ્રદેશ પર પલડું થોડું ભારે નજર આવી રહ્યું છે કારણ કે, આયુષ બદોનીની કેપ્ટનશીપ આ ટીમે અત્યાર સુધી પોતાનો ઓલરાઉન્ડ ખેલ બતાવ્યો છે. જો કે, બંને ટીમો પાસે અનુભવ અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે અને તેના કારણે આ મેચ રોમાંચક બને તેવી શક્યતા છે. મુંબઈ અને બરોડા વચ્ચેની પ્રથમ સેમિફાઈનલ સવારે 11:00 વાગ્યે શરૂ થશે જ્યારે બીજી સેમિફાઈનલ દિલ્હી અને મધ્યપ્રદેશ વચ્ચે સવારે 4:30 વાગ્યે રમાશે.