સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: T20 મેચમાં તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ, બની ગયો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Image : 'X' |
Syed Mushtaq Ali Trophy : સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ના ગ્રુપ સીમાં દિલ્હી અને મણિપુર વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં T20 ક્રિકેટમાં દિલ્હીના નામે અનોખો રૅકોર્ડ નોંધાયો છે. જેમાં દિલ્હી તરફથી તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. આયુષ બદોની ટીમના કૅપ્ટન હોવાની સાથે વિકેટકીપર પણ છે. આ મેચમાં તેમણે પણ બોલિંગ કરી હતી. જેમાં તમામ 11 ખેલાડીમાંથી કોઈ પણ તેમના ભાગની ચાર ઓવર પૂરી કરી ન હતી. હર્ષ ત્યાગી, દિગ્વેશ રાઠી અને મયંક રાવતે ત્રણ-ત્રણ ઓવર નાખી, જ્યારે આયુષ સિંહ, અખિલ ચૌધરી અને આયુષ બદોનીએ બે-બે ઓવર નાખી. જ્યારે આર્યન રાણા, હિંમત સિંહ, પ્રિયાંશ આર્ય, યશ ધુલ અને અનુજ રાવતે એક-એક ઓવર નાખી હતી.
મણિપુરના ખેલાડીનું કેવું રહ્યું પ્રદર્શન?
જ્યારે મણિપુરે 20 ઓવરમાં આઠ વિકેટ પર 120 રન બનાવ્યા હતા. જેમાં 41 રન સુધીમાં મણિપુરે છ વિકેટ ગુમાવી હતી. કૅપ્ટન રેક્સ રાજકુમાર, વિકેટકીપર અહમદ શાહ સાથે મળીને ટીમ માટે રન બનાવ્યા. જેમાં મણિપુર તરફથી અહેમદ શાહે 32 રનની ઈનિંગ રમી હતી. ઉલેનીએ ટોપ ઑર્ડરમાં 19 રન બનાવ્યા, ત્યારબાદ બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા.
જો મણિપુર માટે છેલ્લી ઓવરોમાં લોઅર મિડલ ઑર્ડરના બેટ્સમેનોએ રન ન બનાવ્યા હોત તો ટીમનો સ્કોર 100 રન પણ ન હોત. T20 ક્રિકેટમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી કે, ટીમના તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હોય. હવે આ વર્લ્ડ રૅકોર્ડ દિલ્હીના નામે નોંધાયો છે. મેચમાં મણિપુરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગ્રુપ સીમાં, દિલ્હી તેની ત્રણેય મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં હાલમાં ટોચ પર છે.