Get The App

ગૌતમ ગંભીર પર લટકતી તલવાર! BCCIએ રિપોર્ટ મંગાવ્યો, લેવાઈ શકે છે મોટો નિર્ણય

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ગૌતમ ગંભીર પર લટકતી તલવાર! BCCIએ રિપોર્ટ મંગાવ્યો, લેવાઈ શકે છે મોટો નિર્ણય 1 - image

Gautam Gambhir : નવા વર્ષ 2025ની સાથે જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ઘણાં ફેરફારોની તૈયારી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત BCCIએ 12 જાન્યુઆરીએ મુંબઈમાં વિશેષ સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા સચિવ અને ખજાનચી પદ માટેની ચૂંટણી છે. નવી નિમણૂક પામેલા દેવજીત સાઇકિયા ચાર્જ સંભાળશે. જેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. જ્યારે ખજાનચી અરુણ ધૂમલે પોતાની બે ટર્મ પૂરી કરી લીધી છે જેના કારણે તેમણે આ પદ પરથી હટી જવું પડશે.

ગંભીરના કોચિંગને લઈને અનેક સવાલો

એક અહેવાલ અનુસાર આ બેઠકમાં ગૌતમ ગંભીર અને તેમની કોચિંગ ટીમના પ્રદર્શનને લઈને ચર્ચા થઇ શકે છે. જો કે આ મૂળ મુદ્દો નથી, પરંતુ તાજેતરમાં ટીમના શરમજનક પ્રદર્શનને કારણે બોર્ડના કેટલાક સભ્યોમાં ગંભીરના કોચિંગને લઈને અસંતોષ વધી રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી  2024-25 માં ઓસ્ટ્રેલિયા સામે 1-3થી મળેલી હારથી ભારતીય ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ગંભીર માટે ટર્નિંગ પોઈન્ટ 

ગૌતમ ગંભીર માટે સૌથી મોટું સંકટ એ છે કે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેના કોચિંગ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જો ભારત આ ટુર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પણ નહીં પહોંચે તો ગંભીરની કોચિંગને લઈને અનેક સવાલો ઊભા થશે. ભારતીય ટીમની તાજેતરની નિષ્ફળતાઓ પાછળનું કારણ ટીમનું સતત ખરાબ ફોર્મ અને મુખ્ય ખેલાડીઓની ઈજા પણ છે. વિરાટ કોહલી અને રોહિત શર્માનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઘણું ખરાબ રહ્યું હતું. જ્યારે જસપ્રીત બુમરાહની ઈજાએ ટીમના બોલિંગ આક્રમણને નબળું પડી દીધું છે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી: શમીની એન્ટ્રી થતાં જ આ ખેલાડીનું કપાશે પત્તું, જાણો કોને કોને મળશે મોકો

ગૌતમ ગંભીરનો કોચિંગ કાર્યકાળ

સપ્ટેમ્બર 2024માં ગૌતમ ગંભીરે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું. તે સમયે ભારતીય ટીમ T20 વર્લ્ડકપ જીત્યા બાદ ટોચના સ્થાન પર હતી. તે સમયે ભારત ટેસ્ટ અને વનડેમાં પણ ખૂબ મજબૂત સ્થિતિમાં હતી. ગંભીરે પોતાના કોચિંગ કાર્યકાળની શરૂઆત બાંગ્લાદેશને ટેસ્ટમાં 2-0થી હરાવીને કરી હતી. પરંતુ આ પછી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો થતો રહ્યો. ભારતીય ટીમને વનડે સીરિઝમાં શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારત ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં 0-3થી હારી ગયું હતું. જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું હતું. આ પછી ભારતને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓસ્ટ્રેલિયા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.ગૌતમ ગંભીર પર લટકતી તલવાર! BCCIએ રિપોર્ટ મંગાવ્યો, લેવાઈ શકે છે મોટો નિર્ણય 2 - image




Google NewsGoogle News