9 વર્ષથી અટકેલી ફાઇલ એકઝાટકે પાસ થઈ, મેડલથી ભાગ્ય બદલાયું, ભારતીય ઍથ્લીટને મળ્યું ડબલ પ્રમોશન
Paris Olympics Bronze Medalist Swapnil Kusale Got A Double Promotion: પેરિસ ઓલિમ્પિકસ 2024માં સ્વપ્નિલ કુસાલેએ શૂટિંગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. સ્વપ્નિલે તેની પહેલી જ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ જીતીને અભૂતપૂર્વ કીર્તિમાન સ્થાપી દીધો છે. સ્વપ્નિલની સફળતાથી કરોડો લોકો તો ખુશ છે પરંતુ એ સાથે જ તેની પ્રમોશન માટેની ફાઇલ પણ હવે આગળ વધી ગઈ છે જે લાંબા સમયથી અટકેલી હતી.
સ્વપ્નિલ 2015થી સેન્ટ્રલ રેલવેમાં ફરજ બજાવી રહ્યો છે પરંતુ તેને હજુ એક પણ વખત પ્રમોશન મળ્યું નથી. આ માટે તેણે વારંવાર વિનંતી કરી હતી. સ્વપ્નિલના કોચ દિપાલી દેશપાંડેના જણાવ્યા અનુસાર, 'તે પોતાના કાર્યાલયના વલણથી ખૂબ જ નિરાશ હતો. તે છેલ્લા નવ વર્ષથી રેલવેમાં કામ કરી રહ્યો છે, પરંતુ તેને પ્રમોશન આપવા માટે ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો.'
સેન્ટ્રલ રેલવેના આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ઑફિસર રણજીત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, 'પેરિસ ઓલિમ્પિકસના બ્રોન્ઝ મેડલ વિજેતાને શુક્રવાર સુધીમાં ડબલ પ્રમોશન મળી જશે. એ વાત ખોટી છે કે તેનું પ્રમોશન રોકવામાં આવ્યું છે, અમે જનરલ મેનેજર સાથે વાત કરી છે અને આશા છે કે તેને બે દિવસમાં ડબલ પ્રમોશન મળી જશે.'
સ્વપ્નિલના એક સહકર્મીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, 'કાર્યલાયમાં સિનિયરના વર્તનથી તે ખૂબ દુઃખી હતો. જ્યારે પણ સ્વપ્નિલ તેના પ્રમોશન વિશે પૂછતો ત્યારે તેને હંમેશાં અભદ્ર ભાષામાં જવાબ મળતા હતા. તેને પેરિસ જતાં પહેલાં કાર્યલયમાં રીપોર્ટ કરવા જણાવામાં આવ્યું હતું, જેથી તેની પ્રમોશન ફાઇલને આગળ લઈ જઈ શકાય. સ્વપ્નિલ ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે કાર્યાલય જતો નહોતો.
સ્વપ્નિલના ઓલિમ્પિકસમાં મેડલ જીત્યા બાદ સેન્ટ્રલ રેલવેએ ગુરુવારે તેને પ્રમોશન આપવા માટેના નિર્દેશ જારી કર્યા હતા. જ્યારે સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે પૂણે ડિવિઝન સાથે આ બાબતે પૂછપરછ કરવી પડશે. હું તપાસ કરીને જવાબ આપીશ.