બે વર્ષ રોકાઈ જાઓ..: ડ્રેસિંગ રૂમમાં રોહિત-વિરાટને મનાવવા થયા હતા પ્રયાસ, સૂર્યકુમારે જુઓ શું કહ્યું
Rohit-Virat Retirement News: ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ટીમને હરાવી T20 વર્લ્ડ કપ જીત્યો. જીત બાદ દેશ ઉજવણી કરી રહ્યો હતો, ખુશીના આંસુ વહી રહ્યા હતા, અભિનંદનનો દોર ચાલી રહ્યો હતો, ત્યારે ક્રિકેટ જગતમાં 'કિંગ' તરીકે ઓળખાતા કોહલી (Virat Kohli)એ અચાનક પોતાના નિવૃત્તિ અંગે જાહેરાત કરી. તેણે કહ્યું કે તે T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. આ અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે 'હિટમેન' તરીકે પ્રસિદ્ધ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)એ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.આ સમાચાર તેમના ચાહકો માટે આંચકા સમાન હતા.
બંનેને નિવૃત્ત થતા રોકવાનો પ્રયાસ થયો હતો
ભારતની આ સ્ટાર જોડીએ જ્યારે જણાવ્યું કે, તેઓ હવે ટીમ ઈન્ડિયા માટે રમતના T20 નહીં રમે ત્યારે તેમના ચાહકો આઘાતજનક સ્થિતિમાં મુકાયા હતા. દરેકના મનમાં સવાલ હતો કે, બંને સ્ટાર ખેલાડીઓએ આ વિશે ક્યારે વિચાર્યું, ક્યારે આ વિશે વાત કરી, આવા રોમાંચક સવાલોના જવાબ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવે આપ્યા છે. સુર્યકુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમે આ સમાચાર પર કેવી પ્રતિક્રિયા આપી અને કેવી રીતે તેમને ભવિષ્યમાં પણ આ ફોર્મેટમાં રમવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે બંનેને સંન્યાસ લેતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ રાજી ન થયા. કોહલીને તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે રોહિતે વિજય સાથે કેપ્ટન તરીકે વિદાય લીધી હતી.
નિવૃત્તિ વિશે સાંભળીને બધા ભાવુક થઈ ગયા
સૂર્ય કુમાર યાદવે કહ્યું કે ભારતીય ટીમ ચેમ્પિયન બનતા સૌ ખુશ થઇ ગયા હતા. પરંતુ જ્યારે બંને સિનિયર ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે બધા ભાવુક થઈ ગયા. બંનેને ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં કહેવામાં આવી રહ્યું હતું કે, તમે રોકાઇ જાઓ, આગામી વર્લ્ડ કપ ભારતમાં જ છે.
સુર્યકુમારે તેમની નિવૃત્તિ અંગે શું કહ્યું?
સૂર્યાએ બંનેની નિવૃત્તિ અંગે કહ્યું કે, 'હું માનું છું કે આવી ક્ષણે રમત છોડવી ખૂબ જ મુશ્કેલ છે. આટલા મોટા અવસર પર તેમણે રમતને અલવિદા કહ્યું તે સારું છે. જ્યારે તેઓ ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા ત્યારે અમે બધા તેમના બાજુમાં ઉભા થઇ ગયા હતા અને કહેતા હતા કે 'કોઈ વાંધો નથી, હજુ દોઢ વર્ષ છે, બે વર્ષ પછી ભારતમાં વર્લ્ડકપ થવાનો છે, અત્યારે નિવૃત્તીની વાતો ન કરો આગામી સમયમાં જોઇશું'. પરંતુ કદાચ બંનેએ મક્કમ મન બનાવી લીધું હતું. મારા મતે નિવૃત્તિ માટે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે.