Get The App

રોહિતનો ચેલો છે સૂર્ય! રિંકુએ 19મી અને પોતે છેલ્લી ઓવર નાખી; પૂર્વ ભારતીય ક્રિકેટર ફિદા થઈ ગયો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
suryakumar yadav


Suryakumar Yadav: ભારત અને શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં ભારતની બોલિંગ દરમિયાન છેલ્લી ઓવર્સમાં દબાણ ખૂબ વધારે હતું ત્યારે કેપ્ટન સૂર્યકુમારે છેલ્લેથી બીજી ઓવર રિંકુ સિંહને આપી હતી. જેણે જબરદસ્ત દેખાવ કરતાં માત્ર ત્રણ રન આપીને બે વિકેટ લીધી હતી. તો છેલ્લી ઓવરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતે જ બોલિંગ કરવા આવ્યો હતો જેણે 5 રન આપીને બે વિકેટ લીધી હતી. આમ ભારત હારની નજીક હતું ત્યાંથી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી અને સુપર ઓવરમાં ભારતનો વિજય થયો હતો. 

શ્રીલંકા સામેની ત્રીજી છેલ્લી T20માં ભારતે બતાવી દીધું હતું કે હવે ગંભીરના કોચિંગ હેઠળ ટીમમાં બધાએ વિવિધ રીતે પરફોર્મ કરવું પડશે. આ મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પીચ સ્પિનર્સ મદદરૂપ બને છે તે જોઈને તેણે રિયાન પરાગ, સુંદર અને રવિ બિશ્નોઈ પર ભરોસો મૂક્યો હતો પરંતુ તેઓની ઓવર્સ પૂરી થઈ જતાં 19મી ઓવર રિંકુ સિંહને આપી હતી અને 20મી ઓવર પોતે જ ફેંકી હતી. આ નિર્ણય ઘણો જોખમી હતો પણ તેનો આ દાવ પાર પડ્યો હતો અને મેચ ટાઇ થઈ હતી. ત્યાર પછી સુપર ઓવરમાં ભારતે આ મેચ જીતી લીધી હતી. 

પૂર્વ ક્રિકેટ મોહમ્મદ કૈફ તેની કેપ્ટન્સી પર ઓવારી ગયો હતો. તેણે x પર લખ્યું હતું કે, 'ભાઈ રોહિત શર્માનો ચેલો છે. 19મી ઓવર રિંકુ સિંહને અને 20મી ઓવર પોતે જ ફેંકી. સૂર્યએ મેચ જીતાડી દીધી. એક સારા લીડર (નેતા) બનવા માટે આનાથી વધારે શું જોઈએ?

સૂર્યકુમારે પોતે આ નિર્ણય અંગે કહ્યું હતું કે, '20મી ઓવર અંગે નિર્ણય લેવો સરળ હતો. પરંતુ 19મી ઓવરનો નિર્ણય મુશ્કેલ હતો. સિરાજ અને બીજા કેટલાક બોલર્સની અમુક ઓવર્સ બાકી હતી પરંતુ મને લાગ્યું કે આ પીચ માટે રિંકુ સિંહ વધારે યોગ્ય રહેશે કારણ કે મેં તેને બોલિંગ કરતાં જોયો છે અને તેની પાસે નેટ્સમાં ઘણી પ્રેક્ટિસ પણ કરાવી હતી.' 


Google NewsGoogle News