સુપર-8 પહેલા જ ભારતનો આ સ્ટાર બેટર પ્રેક્ટિસ દરમિયાન થયો ઈજાગ્રસ્ત, ફેન્સની ચિંતા વધી
Image : IANS |
Suryakumar Yadav Injured: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં પ્રવેશી ચૂકી છે, જ્યાં તેની પ્રથમ મેચ બાર્બાડોસમાં 20 જૂને અફઘાનિસ્તાન સામે રમાશે. આ વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડ અને સુપર-8 મેચ વચ્ચે લગભગ એક અઠવાડિયાનો આરામ છે. પરંતુ આ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટર પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.
ફિઝિયોએ સૂર્યાને તાત્કાલિક સારવાર આપી
ICC વર્લ્ડ T20 રેન્કિંગ નંબર-1 બેટર સૂર્યકુમાર યાદવ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. થ્રોડાઉનનો સામનો કરતી વખતે, બોલ તેના હાથમાં લાગ્યો હતો. આ પછી તરત જ ફિઝિયોએ સૂર્યાને તાત્કાલિક સારવાર આપી. જોકે આ દરમિયાન એક સારી વાત એ હતી કે સૂર્યાની ઈજા બહુ ગંભીર નહોતી. પેઇનકિલર અને સ્પ્રે છાટ્યા બાદ, સૂર્યા ફરીથી ચાર્જ સંભાળ્યો અને બેટિંગ કરી હતી.
દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં જોવા મળ્યા
જ્યારે સૂર્યા ઈજાગ્રસ્ત થયો ત્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં જોવા મળ્યા હતા. તે સૂર્યા પાસે ઊભા જોવા મળ્યા હતા. આ દરમિયાન દ્રવિડે સૂર્યા અને ફિઝિયો બંને સાથે વાત કરી. નોંધનીય છે કે ભારતીય ટીમે 17 જૂને ઑપ્શનલ ટ્રેનિંગ લીધી હતી. પરંતુ આમાં પણ તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સૂર્યાએ અમેરિકા સામે ફિફ્ટી ફટકારી હતી
આ દરમિયાન ખેલાડીઓએ માત્ર થ્રોડાઉનનો જ નહીં પરંતુ મુખ્ય બોલરોનો પણ સામનો કર્યો હતો. રાહુલ દ્રવિડ અને બાકીના કોચિંગ સ્ટાફે પણ થ્રોડાઉન કરીને ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવી હતી. સૂર્યા આગામી મેચોમાં ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થવાનો છે. અમેરિકા સામેના પ્રથમ રાઉન્ડની મેચમાં સૂર્યાએ મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ ફિફ્ટી ફટકારીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત બાદ ભારતીય ટીમે સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. જોકે, આયર્લેન્ડ અને પાકિસ્તાન સામેની અગાઉની મેચોમાં સૂર્યા સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.