IPL 2024માં સૂર્યકુમાર યાદવ ક્યારે કરશે વાપસી, ફિટનેસ અંગે આવ્યું મોટું અપડેટ
Image:File Photo |
Suryakumar Yadav Fitness Update : IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ છે અને ચાહકો સૂર્યકુમાર યાદવની રાહ જોઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવ IPLમાં ક્યારે રમશે તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂર્યા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને કેટલીક મેચો રમી શકશે નહીં. સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીમાંથી સૂર્યા હજુ સંપૂર્ણ રીતે સાજો થયો નથી. NCAમાં તેની ફિટનેસ પ્રોગ્રેસ પર નજર રાખવામાં આવી રહી છે.
સૂર્યા વધુ કેટલીક મેચોમાંથી બહાર થઇ શકે
BCCIના એક સૂત્રે જણાવ્યું હતું કે, ‘સૂર્યકુમાર યાદવ ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં વાપસી કરશે. જો કે પ્રથમ બે મેચમાં ન રમ્યા બાદ તેણે વધુ કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે.’ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સૂર્યકુમારને મિસ કરી રહી છે પરંતુ BCCI સૂર્યાની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી. તેની પાછળનું કારણ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડકપ છે. સૂર્યકુમાર યાદવની આ ટુર્નામેન્ટમાં મોટી ભૂમિકા રહેવાની છે.
BCCI માટે મુખ્ય ચિંતાનો વિષય T20 વર્લ્ડકપ
સૂત્રે કહ્યું કે, ‘BCCI માટે મુખ્ય ચિંતા એ છે કે શું સૂર્યા T20 વર્લ્ડકપમાં રમવાના ટ્રેક પર છે અને શું સૂર્યા તે સ્થિતિમાં છે.’ સૂર્યકુમારની તુલના ઘણી વખત સાઉથ આફ્રિકાના નિવૃત બેટર એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવે છે કારણ કે તે મેદાનની ચારેય બાજુ શોટ રમવાની ક્ષમતા ધરાવે છે. તેણે T20 ફોર્મેટમાં 171.55ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. સૂર્યકુમારે ભારત માટે 60 T20I મેચોમાં 4 સદીની મદદથી 2141 રન બનાવ્યા છે.