ટીમથી મોટો કોઈ નહીં... ગંભીરે આ વાત કેમ કહી, તેનો ફોડ પાડ્યો ટીમ ઈન્ડિયાના સૂર્યાએ
Suryakumar Yadav On Gautam Gambhir : ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ ની શરૂઆત શ્રીલંકાના પ્રવાસથી થઈ હતી. જેમાં ભારતીય ટીમે શ્રીલંકાને 3-0થી હરાવી સીરિઝ પોતાના નામે કરી હતી. ગૌતમ ગંભીરે સીરિઝની શરૂઆત પહેલા ટીમને કહ્યું હતું કે, 'ટીમથી મોટું કોઈ નથી.'
હવે બાંગ્લાદેશ સામે સીરિઝમાં શાનદાર જીત મેળવ્યા બાદ સૂર્યકુમાર યાદવે આ અંગે ખુલાસો કર્યો છે કે, ગૌતમ ગંભીરે આવું કેમ કહ્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ સામેની છેલ્લી અને ત્રીજી T20I મેચ માં ભારતે 133 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમે T20માં પોતાનો સર્વોચ્ચ 297નો સ્કોર બનાવીને આ મેચ જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરતા ભારતે 297 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 164 રન જ કરી શકી હતી.
મેચ પૂરી થયા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, 'ગૌતી ભાઈએ સીરિઝની શરૂઆતમાં પણ આ જ કહ્યું હતું. અને આ જ તેમણે શ્રીલંકા પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, ટીમથી મોટું કોઈ નથી.' એક ઉદાહરણ આપતા સૂર્યકુમારે સમજાવતા કહ્યું કે, 'જો તમે 99 કે 49 અથવા કોઈપણ રન પર હોવ અને તમને લાગે છે કે તમારે ટીમ માટે બોલને મેદાનની બહાર મારવો પડશે, તો તમારે તે કરવું જ પડશે, અને સંજુએ તે જ કર્યું, હું તેને લઈને ખરેખર ખુશ છું.'
સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું, 'અમે એક ટીમ તરીકે ઘણું બધું હાંસલ કર્યું છે. હું મારી ટીમમાં નિઃસ્વાર્થ ક્રિકેટરોને સામેલ કરવા માંગુ છું. અમે એક નિઃસ્વાર્થ ટીમ બનવા માંગીએ છીએ. હાર્દિકે જે કહ્યું તેમ, અમે મેદાનની અંદર અને બહાર એકબીજાના પ્રદર્શનનો આનંદ માણવા માંગીએ છીએ, શક્ય તેટલો સમય પસાર કરવા માંગીએ છીએ અને આ મિત્રતા મેદાન પર પણ ચાલુ રહે અને અમે તેનો આનંદ માણીએ છીએ.'
તમને જણાવી દઈએ કે, જ્યારે સંજુ સેમસને પોતાની T20 કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. તેણે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. સેમસને બાંગ્લાદેશ સામે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી.