સૂર્યકુમાર યાદવે બનાવ્યો અદભુત રેકોર્ડ, હવે કોહલી-મેક્સવેલને છોડ્યા પાછળ, જાણો શું કરી કમાલ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે થયેલી ત્રીજી T20I માં ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત નોંધાવી. 100 રન કરતા પણ વધુ અંતરેથી દક્ષિણ આફ્રિકાને તેમના ઘરમાં હરાવી દીધુ. ઈન્ડિયન ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જોરદાર બેટિંગ કરી. સૂર્યાએ જોહાનસબર્ગમાં રમેલી આ T20 મેચમાં 56 બોલ પર સાત ચોગ્ગા અને આઠ છગ્ગા મારીને 100 રનની તોફાની ઈનિંગ રમી. આ દરમિયાન તેમણે પોતાના મુંબઈ ઈન્ડિયન્સ વાળા કેપ્ટન રોહિત શર્માના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી. સૂર્યકુમારના T20I માં રોહિતના બરાબર 4 સદી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ગ્લેન મેક્સવેલની પણ T20Iમાં 4 સદી જ છે. સૂર્યકુમાર યાદવે માત્ર રોહિત શર્માની બરાબરી કરી નથી પરંતુ વિરાટ કોહલીને એક મામલે પાછળ છોડી દીધા છે.
સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનો કયો રેકોર્ડ તોડ્યો?
કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાની ઈનિંગ દરમિયાન આઠ છગ્ગા લગાવ્યા. છગ્ગાના મામલે તેઓ કોહલીથી આગળ નીકળ્યા છે. ભારત માટે T20I માં સૌથી વધુ છગ્ગા મારનારના મામલે તેમણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. હવે ભારતમાં આ મામલે તેમનાથી આગળ માત્ર રોહિત શર્મા જ રહી ગયા છે. ભારત તરફથી T20I માં અત્યાર સુધી રોહિત શર્માએ 182, સૂર્યકુમાર યાદવે 123, વિરાટ કોહલીએ 117 અને કેએલ રાહુલે 99 સિક્સર મારી છે.
ગ્લેન મેક્સવેલને પણ પાછળ છોડ્યા
સૂર્યકુમાર યાદવ દુનિયાના એકમાત્ર એવા બેટ્સમેન પણ બની ગયા છે જેમણે ચાર અલગ-અલગ દેશોમાં T20I સદી ફટકારી છે. તેમણે ભારત, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં આ કારનામુ કર્યુ છે. તેમનાથી પાછળ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ છે, જેમણે ત્રણ દેશો ઓસ્ટ્રેલિયા, ભારત અને શ્રીલંકામાં T20I સદી ફટકારી છે.
સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવની મેચમાં કમાલ
જોહાનસબર્ગમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી અને નક્કી 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. જોકે, સિરીઝના આ અંતિમ T20 મેચમાં પણ ભારતની શરૂઆત સારી રહી નથી. લગભગ 29 રનના સ્કોર સુધી શુભમન ગિલ (8) અને તિલક શર્મા (0) બંને પેવેલિયન પાછા ફર્યા હતા. જે બાદ આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ. સૂર્યાએ યશસ્વી જયસ્વાલની સાથે મળીને ઈનિંગને આગળ વધારી. યશસ્વી અને સૂર્યકુમારની વચ્ચે ત્રીજી વિકેટ માટે 112 રનની ભાગીદારી થઈ. યશસ્વીએ 41 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે અંત સુધી બેટિંગ ચાલુ રાખી અને 55 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા. ભારતીય કેપ્ટનને વિલિયમ્સે અંતિમ ઓવરમાં આઉટ કર્યા.
ભારતે પહેલી બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 201 રનનો ટાર્ગેટ આપ્યો. હવે બેટિંગ કરવાનો વારો આફ્રિકાનો હતો. રીજા હેંડ્રિક્સ અને મેથ્યૂ બ્રીત્જ્કે બેટિંગ કરવા આવ્યા. 23 રન સુધી બંને પેવેલિયન પાછા ફર્યા. આ બંને બાદ પણ કોઈ આફ્રિકી બેટ્સમેન ક્રીજ પર ટકી શક્યા નહીં. થોડી હિંમત ડેવિડ મિલરે બતાવી અને પોતાની ટીમની તરફથી સૌથી વધુ 35 રન બનાવ્યા. કેપ્ટન એડેન માર્કરમે 25 રનનું યોગદાન કર્યુ. મેચની 11 મી અને 13 મી ઓવર કુલદીપ યાદવે નાખી અને તેમણે પોતાની અંતિમ 7 બોલ્સમાં 4 ખેલાડીઓને આઉટ કરીને આફ્રિકાની કમર તોડી દીધી અને આ રીતે સાઉથ આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં 95 રન પર ઓલ આઉટ થઈ ગઈ. મેચમાં કુલદીપ યાદવે 5 અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી. મુકેશ કુમાર અને અર્શદીપ સિંહે 1-1 દક્ષિણ આફ્રિકી બેટ્સમેનને આઉટ કર્યાં.