સૂર્યકુમારે ફાઈનલમાં તેના શાનદાર કેચનો શ્રેય આ દિગ્ગજને આપ્યો, નામ જાણી તમે પણ ચોંકી જશો
Image: Facebook
Suryakumar Yadav: ટી20 વર્લ્ડ કપની યાદો દરેક ચાહકના મગજમાં વર્ષો સુધી રહેશે. વર્લ્ડ કપની અંતિમ મેચનો રોમાંચ કોણ ભૂલી શકે છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાની સામે મેચ જીતી લીધી. ફાઈનલમાં સૂર્યકુમાર યાદવનો અદ્ભુત-અવિશ્વસનીય કેચ દરેક ચાહકના મગજમાં વસેલો છે. આ કેચ ન હોત તો કદાચ ભારતીય ટીમના હાથમાંથી આ ટ્રોફી પણ નીકળી જાત, પરંતુ સૂર્યાએ આ અદ્ભુત કેચને પકડીને ડેવિડ મિલરની વિકેટ લઈ લીધી અને ભારતને ટ્રોફી અપાવી. હવે સૂર્યાએ આ કેચથી જોડાયેલા અમુક રસપ્રદ પાસાઓ પર વાત કરી છે.
ફીલ્ડિંગ કોચ ટી દિલીપને શ્રેય આપ્યો
સૂર્યાએ આ શાનદાર કેચને કેવી રીતે અંજામ આપ્યો. તેનું રહસ્ય જણાવતા તેણે હવે આ મેચ માટે એક ખાસ વ્યક્તિને ક્રેડિટ આપી છે. સૂર્યાએ ફીલ્ડિંગ કોચ ટી દિલીપને તેનો શ્રેય આપ્યો છે. સૂર્યાએ કહ્યું કે તેની પર ખૂબ દબાણ હતું કેમ કે તેને ખબર પડી કે જો આ કેચ ન થયો તો ભારતીય ટીમના હાથેથી ટ્રોફી જઈ શકે છે. ફીલ્ડિંગ કોચને ક્રેડિટ આપતાં તેમણે કહ્યું કે ન્યૂયોર્કથી બાર્બાડોસ સુધી પ્રેક્ટિસ દરમિયાન ટીમ દિલીપે તેને આવા 150 કેચ લેવામાં મદદ કરી હતી.
અમારી સાથે મહેનત કરી
સૂર્યાએ કહ્યું કે જો હું કહું કે મારી પર આ કેચનું કોઈ દબાણ નહોતું તો આવું કહેવું ખોટું હશે. દિલીપ સરે અમારી સાથે આવા કેચ માટે ખૂબ પ્રેક્ટિસ કરી છે. તેમણે અમારી સાથે ખૂબ મહેનત કરી છે. અમારામાંથી દરેકે તેમની સાથે 15 મિનિટ વિતાવી છે. બેટિંગ સિવાય કોઈનું પણ ધ્યાન ફીલ્ડિંગ પર જતું નથી પરંતુ મેદાન પર તેની અસર સ્પષ્ટ જોવા મળે છે. અમે અલગ-અલગ ટ્રેનિંગ કરી, જેના પરિણામ સામે આવતા રહ્યાં છે. આ રીતે મારું માનવું છે કે આ કેચ અમારા સૌ ની મહેનતનું પરિણામ છે.
ડેવિડ મિલર ટેન્શન બન્યો હતો
અંતિમ ઓવરમાં સાઉથ આફ્રિકાને જીત માટે 16 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ આ ઓવરનો પહેલો બોલ ફુલ ટોસ નાખ્યો, જેની પર ડેવિડ મિલરે લોન્ગ ઓફ તરફ સિક્સર મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ બોર્ડર લાઈનને પાર કરે તે પહેલા સૂર્યકુમાર યાદવે શ્રેષ્ઠ કેચ કરીને સાઉથ આફ્રિકાને આકરો ઝટકો આપી દીધો. તે બાદ હાર્દિક પંડ્યાએ કાગિસો રબાડાની પણ વિકેટ લીધી. જેનાથી સાઉથ આફ્રિકા વાપસી કરી શક્યું નહીં અને 7 રનથી મેચ હારી ગયુ.