ટીમ ઈન્ડિયાના આ ધુરંધર ક્રિકેટરે ઉજવ્યો 34મો જન્મ દિવસ, ટી20માં બનાવી ચૂક્યો છે અનેક રેકોર્ડ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાના આ ધુરંધર ક્રિકેટરે ઉજવ્યો 34મો જન્મ દિવસ, ટી20માં બનાવી ચૂક્યો છે અનેક રેકોર્ડ 1 - image


Image Source: X

Happy Birthday Suryakumar Yadav: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર સૂર્યાને ચાહકો અને દિગ્ગજ ખેલાડીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. સૂર્યાએ ટી20 ક્રિકેટમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે અને તે આ ફોર્મેટમાં ભારતીય ટીમને ઘણી યાદગાર જીત અપાવી ચૂક્યો છે. ટી20માં સૂર્યકુમાર જે રીતે બેટિંગ કરે છે તેને રોકવું દરેક ટીમ માટે મુશ્કેલ છે. 

ટી20 સીરીઝમાં સૂર્યાની રમવાની આશા

સૂર્યકુમારની બેટિંગ જોઈને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સની યાદ આવી જાય છે. સૂર્યાને ભારતના 'મિસ્ટર 360' કહેવું અયોગ્ય નથી. સૂર્યકુમાર યાદવ હાલમાં ઈજાનો સામનો કરી રહ્યો છે અને તે દલીપ ટ્રોફી 2024ની પ્રથમ બે મેચમાંથી બહાર રહ્યો છે. જો કે તે બાંગ્લાદેશ સામેની ટી20સીરીઝમાં રમે તેવી આશા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતા મહિને ત્રણ મેચની ટી20 સીરીઝ રમાવાની છે.

સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 1 ટેસ્ટ, 71 ટી20 અને 37 વન ડે મેચ રમી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યાએ 42.66ની એવરેજથી 2,432 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 20 ફીફ્ટી સામેલ છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યાનો સ્ટ્રાઈક રેટ 168.65 રહ્યો છે, જે તેની ધમાકેદાર બેટિંગ દર્શાવે છે. સૂર્યા લાંબા સમય સુધી ICC ટી20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન રહી ચૂક્યો છે. હાલમાં તે રેન્કિંગમાં નંબર-2 પર છે.

વર્ષ 2022 સૂર્યકુમાર યાદવ માટે ખૂબ જ દમદાર રહ્યું હતું. જ્યાં તેણે કુલ 31 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 1164 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 9 ફીફ્ટી ફટકારી હતી. આવું પહેલી વાર બન્યું હતું જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન એક કેલેન્ડર વર્ષ દરમિયાન ટી20 ઈન્ટરનેશનલમાં હજાર રન બનાવી શક્યો હોય.

જોવામાં આવે તો સૂર્યકુમાર એવો ત્રીજો બેટ્સમેન છે જેણે ટી20 ઈન્ટરનેશનલમાં ચાર કે તેથી વધુ સદી ફટકારી હોય. રોહિત શર્મા (ભારત) અને ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) જ ટી20 ઈન્ટરનેશનલમાં સદીના મામલે સૂર્યાથી આગળ છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીતવાના મામલે સૂર્યા સંયુક્ત રીતે ટોપ પર છે. સૂર્યકુમાર, વિરાટ કોહલી (ભારત) અને વિરનદીપ સિંહ (મલેશિયા) ટી20 ઈન્ટરનેશનલમાં 16-16 વખત 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યા છે. જોકે, સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) અને મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) પણ વધારે પાછળ નથી.

T20Iમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ

16- સૂર્યકુમાર યાદવ (71 મેચ)

16- વિરનદીપ સિંહ (84 મેચ)

16- વિરાટ કોહલી (125 મેચ) 

15- સિકંદર રઝા- (91 મેચ) 

14- મોહમ્મદ નબી (129 મેચ)

14- રોહિત શર્મા (159 મેચ) 

T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી

5 રોહિત શર્મા (ભારત)

5 ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)

4 સૂર્યકુમાર યાદવ (ભારત)

3 કોલિન મુનરો (ન્યુઝીલેન્ડ) 

3 સબાવૂન દવિજી (ચેક ગણરાજ્ય) 

3 મુહમ્મદ વસીમ (UAE)

3 બાબર આઝમ (પાકિસ્તાન)

ખાસ વાત એ છે કે  ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યાકુમારે બે વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. આ બંને વિકેટ સૂર્યાએ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન લીધી હતી. પલ્લેકલેમાં રમાયેલી સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં સૂર્યાનું બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં કેપ્ટન સૂર્યાએ છેલ્લી ઓવરમાં 2 વિકેટ લઈને મેચ ટાઈ કરાવી દીધી હતી. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં ભારતે જીત હાંસલ કરીને ટી20 સીરીઝમાં શ્રીલંકાના સૂપડા સાફ કરી દીધા હતા. 

વન ડેમાં કંઈ ખાસ નથી કરી શક્યો સૂર્યા

સૂર્યકુમાર યાદવે T20 ઈન્ટરનેશનલમાં પોતાની છાપ છોડી છે પરંતુ ODI ક્રિકેટમાં તે કંઈ ખાસ નથી કરી શક્યો. સૂર્યાએ 18 જુલાઈ 2021ના ​​રોજ કોલંબોમાં શ્રીલંકા સામે ODI ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તેણે 31 અણનમ રન બનાવીને ઘણો પ્રભાવ છોડ્યો હતો. ત્યારબાદ પોતાની બીજી વનડેમાં પણ સૂર્યાએ અડધી સદી ફટકારી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે સૂર્યા મિડલ ઓર્ડરમાં મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે, પરંતુ બાદમાં તેણે પોતાની ગતિ ગુમાવી દીધી હતી. અત્યાર સુધી સૂર્યાએ વન ડેમાં 25.76ની એવરેજથી 773 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૂર્યાના નામે માત્ર 8 રન નોંધાયેલા છે.

જોકે, મોટાભાગના ખેલાડીઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સફળ નથી થઈ શકતા. ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ ડિફેન્સ અને ટેકનિકની જરૂર હોય છે, જ્યારે ODI ક્રિકેટમાં પહેલા બેટ્સમેન પોતાની ઈનિંગ્સ તૈયાર કરે છે અને પછી શોટ રમે છે. જ્યારે ટી20 ક્રિકેટમાં બેટ્સમેન પાસે સેટલ થવાનો સમય નથી હોતો. સૂર્યકુમાર યાદવે તેની 360 ડિગ્રી સ્કીલના કારણે T20 ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે, પરંતુ તે અત્યારે ODI ક્રિકેટમાં ફિટ નથી થઈ રહ્યો. બની શકે કે, વધુ T20 મેચ રમવાથી તેના ODI ફોર્મ પર પણ અસર પડી હોય.

સૂર્યકુમાર યાદવનું ટી20 ઈન્ટરનેશનલ કરિયર

- 71 મેચ, 2432 રન, 42.66 એવરેજ

- 4 સદી, 20 અડધી સદી, 168.65 સ્ટ્રાઈક રેટ

- 220 ચોગ્ગા, 136 છગ્ગા

સૂર્યકુમાર યાદવનું વન ડે ઈન્ટરનેશનલ કરિયર

- 37 મેચ, 773 રન, 25.76 એવરેજ

- 4 અડધી સદી, 105.02 સ્ટ્રાઈક રેટ

- 80 ચોગ્ગા, 19 છગ્ગા

સૂર્યકુમાર યાદવનું ટેસ્ટ કરિયર

- 1 મેચ, 8 રન, 8.00 એવરેજ


Google NewsGoogle News