Get The App

IPL 2024માં શ્વાસ થંભી જાય તેવી મેચ રમાઈ, છેલ્લા બોલે ભુવીએ રાજસ્થાનની આશા પર પાણી ફેરવ્યું

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
IPL 2024માં શ્વાસ થંભી જાય તેવી મેચ રમાઈ, છેલ્લા બોલે ભુવીએ રાજસ્થાનની આશા પર પાણી ફેરવ્યું 1 - image


SRH vs RR : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે સિઝનની 50મી મેચ ખૂબ જ રોમાંચક રમાઈ હતી અને મેચનું પરિણામ છેક છેલ્લા બોલ પર આવ્યું હતું. હૈદરાબાદે રોયલ્સને એક રનથી પરાજય આપ્યો હતો. હૈદરાબાદની જીતનો હીરો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) રહ્યો હતો.

ભુવીએ યાદગાર ઓવર ફેંકી

આઈપીએલની 17મી સિઝનનો રોમાંચ તેની ચરમસીમાએ છે ત્યારે ગુરુવારે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલધડક મેચ રમાઈ હતી. સિઝનની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 બોલમાં 13 રનની જરૂર હતી. જે રીતે આ સિઝનમાં રાજસ્થાનનું ફોર્મ જોવા મળી રહ્યું છે તે જોતા લાગ્યું કે રોયલ્સની ટીમ સરળતાથી મેચ જીતી જશે. પરંતુ મેચમાં અનુભવી બોલરનો ચમત્કાર જોવા મળ્યો હતો. ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરની જવાબદારી લીધી અને એવા યાદગાર 6 બોલ ફેંક્યા જેને ચાહકો લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં.

અહીં તમને શ્વાસ થંભી જાય તેવી મેચના છેલ્લી ઓવરના રોમાંચ વિશે જણાવીશું. જેમાં જેમાં ભુવીએ રોયલ્સને ટાર્ગેટ હાંસલ કરતા અટકાવીને હૈદરાબાદને 1 રનથી જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં એક-એક બોલ પર રોમાંચ જોવા મળ્યો હતો. ચાલો આપણે જાણીએ છેલ્લી ઓવરનો બોલ બાય બોલનો રોમાંચ.

છેલ્લી ઓવરની પહેલી બોલ

છેલ્લા ઓવરના પહેલા બોલ પર રવિચંદ્રન અશ્વિન સ્ટ્રાઈક પર હતો અને ભુવીએ મિડલ અને લેગ સ્ટમ્પ પર બ્લોકહોલ પર બોલ ફેંક્યો હતો. અશ્વિને લોંગ ઓન તરફ શોટ રમીને એક રન લીધો હતો. હવે રોયલ્સને જીતવા માટે 5 બોલમાં 12 રનની જરૂર હતી. બીજા બોલ યોર્કર ફેંક્યો હતો. સ્ટ્રાઈક પર રહેલા પોવેલે લોંગ ઓન તરફ શોટ રમીને ઝડપથી બે રન લઈ લીધા હતા. આ દરમિયાન એક સમયે લાગતું હતું કે પોવેલ રન આઉટ થશે પણ બોલ વિકેટકીપર સુધી પહોંચે તે પહેલા જ પોવેલ ક્રિઝ પર પહોંચી ગયો હતો. રોયલ્સની ટીમ હવે 4 બોલમાં જીતથી 10 રન દૂર હતી.

સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ

ઓવરનો ત્રીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર લો ફુલ ટોસ ફેંકતા પોવેલ ફાઈન લેગ તરફ જબરદસ્ત શોટ ફટકારીને બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડીને ચાર રન પ્રાપ્ત કર્યા હતા. આ દરમિયાન રાજસ્થાનની ટીમમાં જોશ જોવા જેવો હતો. હવે રોયલ્સને જીતવા ત્રણ બોલમાં 6 રનની જરુર હતી. સ્ટેડિયમમાં બેઠેલા બંને ટીમના દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો, બધાનો શ્વાસ થંભી ગયો હતો. ત્યારે ભુવીએ ઓવરનો ચોથો બોલ શાનદાર યોર્કર ફેંક્યો, જોકે પોવેલે લોંગ ઓફ તરફ શોટ ફટકારીને ઝડપથી બે રન લીધા હતા. હવે રોયલ્સને બે બોલમાં ચાર રનની જરુર હતી.

છેલ્લા બે બોલમાં શું થશે તેનો ઈંતજાર

મેચમાં છેલ્લા બે બોલમાં પરિણામ શું આવશે તેનો ઈંતજાર ટેલિવિઝન કે ઓનલાઈન કરોડો દર્શકોને પણ હતો. રોયલ્સની નજર અશ્વિન અને પોવેલ પર હતી. ઓવરના પાંચમો બોલ ફરી એકવાર યોર્કર હતો અને પોવેલે ડીપ સ્કેવર લેગ તરફ શોટ ફટકાર્યો અને બે રન લીધા. આ દરમિયાન ફરી એક વખત એવું લાગ્યું કે પોવેલ રન આઉટ થશે, પણ તે ક્રિઝ પર પહોંચી ગયો હતો. હવે મેચનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચી ગયો હતો. રોયલ્સને છેલ્લા બોલ પર જીતવા માટે બે રનની જરુર હતી.

ભુવીએ છેલ્લા બોલ પર જીત અપાવી

ઓવરના છેલ્લા બોલ પર ભુવીએ તેના અનુભવનો ઉપયોગ કરતા મિડલ અને લેગ સ્ટમ્પ પર ફુલ ટોસ બોલ ફેંક્યો, પોવેલ શોટ રમવા ગયો પરંતુ તે ચૂકી ગયો અને બોલ તેના બેક પેડ પર વાગ્યો, હૈદરાબાદની ટીમે જેવી અપીલ કરી કે અમ્પાયર અનિલ ચૌધરીએ આંગળી ઉંચી કરી. જો કે પોવેલે રિવ્યુ લીધો હતો પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. બોલ ટ્રેકિંગે પણ પુષ્ટિ કરી કે પોવેલ આઉટ છે. આ રીતે રોમાંચક મેચનો ડ્રામાનો અંત થયો હતો અને હૈદરાબાદનો એક રને વિજય થયો હતો. આ વિજય સાથે જ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ હતી.


Google NewsGoogle News