સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સન્યાસ, 4 વર્ષથી નથી મળી રમવાની તક
સુનીલ નારાયણે વેસ્ટ ઇન્ડિઝ માટે વર્ષ 2011માં ડેબ્યૂ કર્યો હતો
Image:Social Media |
Sunil Narine Retirement : વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ઘણાં વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તેને વેસ્ટ ઇન્ડિઝ માટે રમવાનો મોકો વર્ષ 2019માં મળ્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણને વેસ્ટ ઇન્ડિઝ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં રમવાની તક મળી નહીં. જેના કારણે સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે.
સોશ્યલ મીડિયા પર પોસ્ટ દ્વારા કરી નિવૃત્તિની જાહેરાત
લીગ ક્રિકેટમાં સક્રિય સુનીલ નારાયણે તેના 8 વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટિંગ કરિયરને અલવિદા કહી દીધું છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે છેલ્લે ઓગસ્ટ 2019માં T20I મેચ રમી હતી. નારાયણે તેના નિવૃત્તિની જાહેરાત સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી હતી. તેણે લખ્યું હતું કે, 'મારા તમામ ચાહકો, સાથીઓ અને પ્રિયજનો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટથી મારી નિવૃત્તિના સંબંધમાં પત્ર. હું હંમેશા તમારો આભારી રહીશ.'
વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી વખત રમ્યાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો
સુનિલે પોતાના પત્રમાં લખ્યું છે કે, "હું પ્રશંસા કરું છું કે મને વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી વખત રમ્યાને 4 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આજે હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. હું જાહેરમાં ઓછું બોલનાર વ્યક્તિ છું. પરંતુ વ્યક્તિગત રીતે એવા કેટલાક લોકો છે જેમણે મારા સમગ્ર કરિયર દરમિયાન મને ખુબ સમર્થન આપ્યો છે અને વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવાનું મારું સપનું સાકાર કરવામાં મદદ કરી છે અને હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું."
સુનીલ નારાયણનું ક્રિકેટિંગ કરિયર
સુનીલ નારાયણે વેસ્ટ ઇન્ડિઝ માટે વર્ષ 2011માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. તેણે 122 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 6 ટેસ્ટ, 65 વનડે અને 51 T20I મેચ સામેલ છે. તેણે વર્ષ 2012માં વેસ્ટ ઇન્ડિઝને તેનું પ્રથમ T20 World Cup ટાઈટલ જીતવામાં મદદ કરી હતી. તે વર્ષ 2012થી IPLમાં રમી રહ્યો છે અને ત્યારથી તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ રહ્યો છે.