ટીમ માટે 'હુકમનો એક્કો' સાબિત થયેલા તોફાની બેટરને સ્મિથે ગણાવ્યો IPLનો 'પ્લેયર ઓફ ધી સિઝન'
IPL-2024 : આઈપીએલની આ સિઝનમાં કોલકાતા કિંગ રાઈડર્સ (KKR)ની ટીમ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. કેકેઆરએ અત્યાર સુધી રમેલી 11 મેચોમાંથી આઠ મેચ જીતી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પહેલા ક્રમાંકે છે, તેથી કેકેઆર આ વખતની આઈપીએલનો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર મનાય છે. કોલકતાની ટીમનો બેટર અને બોલર સુનીલ નારાયણ (Sunil Narine) આ સિઝનમાં અને કોલકતાની ટીમમાં સૌથી સફળ ખેલાડી સાબિત થયો છે. તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં જોરદાર પ્રદર્શન કર્યું છે, તેથી જ સાઉથ આફ્રિકાના પૂર્વ સુકાની ગ્રીમ સ્મિથે (Graeme Smith) કોલકતાને સફળતા અપાવવાનો શ્રેય સુનીલ નારાયણને આપ્યો છે. સ્મિથે અત્યાર સુધીની રમાયેલી મેચના આધારે સુનીલને આઈપીએલ-2024નો પ્લેયર ઑફ ધ સિઝનનો ખિતાબ મળશે, તેવો દાવો કર્યો છે.
સુનીલ નારાયણ અત્યાર સુધીની સિઝનનો શ્રેષ્ઠ ખેલાડી : સ્મિથ
ગ્રીમ સ્મિથે કહ્યું કે, ‘ગઈકાલની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ યોજના મુજબ ખરી ઉતરી નથી. એલએસજીના બોલરોએ લેંથ, હાફ-વૉલી બોલીંગ કરી, પરંતુ સુનીલે તેમના તમામ બોલને ચારેકોર બાઉન્ડ્રી તરફ ફટકાર્યા. જ્યારે સુનીલ પોતાના લયમાં આવી જાય છે, ત્યારે તે ખતરનાક બનવાની સાથે, અડીખમ ઉભો રહી બેટિંગ કરતો જોવા મળે છે. સુનીલની શ્રેષ્ઠ પ્રદર્શન જોતા એવું લાગી રહ્યું છે કે, તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં આવ્યો છે. તેનું પ્રદર્શન જોતા તે અત્યાર સુધીની સિઝનનો શ્રેષ્ઠ ખેલાડી જોવા મળ્યો છે.’
કોલકાતએ 11 મેચોમાંથી આઠ મેચો જીતી
ઉલ્લેખનિય છે કે, કોલકતાની ટીમે અત્યાર સુધીમાં કુલ 11 મેચો રમી છે, જેમાંથી તેણે આઠ મેચમાં વિજય મેળવ્યો છે. સુનીલ નારાયણની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમેલી 11 મેચોમાં કુલ 461 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર 109 રન છે. તેણે એક સદી અને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે.