Fact Check : સુનીલ નરેને દારૂ પીને લખનઉ સામે ફટકાર્યા 81 રન? જાણો વાયરલ દાવાનું સત્ય
IPL 2024 : ગત રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ રમાઈ, જેમાં કોલકાતાએ 98 રનથી જીત મેળવી હતી. જણાવી દઈએ કે, આ મેચમાં સુનીલ નરેને માત્ર 39 બોલમાં 81 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. હવે સોશિયલ મીડિયા પર એક દાવો કરાઈ રહ્યો છે કે નરેન આ મેચમાં દારૂ પીને બેટિંગ કરી રહ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે દારૂ પીને બેટિંગ કરવામાં દોષિત ઠેરવાયો છે, જેના કારણે વેસ્ટઈન્ડિઝના ખેલાડી સુનીલ નરેનને આઈપીએલ 2024થી બહાર કરી દેવાયો છે.
શું છે સત્ય?
આ વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે કે, કે.એલ. રાહુલે સુનીલ નરેનના દારૂ પીને બેટિંગ કરવાના સમાચાર ફેલાવ્યા હતા. BCCI દ્વારા તપાસ કરાયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે અને સુનીલ નરેન નશાની હાલતમાં મળી આવવાની વાત કહેવામાં આવી છે. પરંતુ સત્ય એ છે કે એવી કોઈ ઘટના બની નથી. કે.એલ. રાહુલ તરફથી કોઈ દાવો કરાયો નથી અને ના BCCIએ આ અંગે કોઈ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જોકે, ક્રિકેટ જગતમાં પહેલા પણ દારૂ પીને બેટિંગ કરવાના કેસ સામે આવતા રહે છે, પરંતુ સુનીલ નરેનને લઈને ફેલાવાયેલા સમાચાર ખોટા છે.
ઑરેન્જ કેપની રેસમાં સુનીલ નરેન
સુનીલ નરેન ઓલરાઉન્ડર છે. જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં નરેને KKR માટે ફરી ઓપનિંગ કરવાનું શરૂ કર્યું છે. સ્ટારે બેટ્સમેનની ભૂમિકા નિભાવતા તેમણે સીઝનમાં જબરદસ્ત અંદાજમાં બેટિંગ કરી છે. નરેને અત્યાર સુધી 11 મેચમાં 41.91ની સરેરાશથી 461 રન બનાવ્યા છે. તે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર છે. હવે માત્ર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ જ તેમનાથી આગળ છે. નરેને આ સીઝનમાં 183.67ના તોફાની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે.
પર્પલ કેપની રેસમાં પણ સામેલ
IPL 2024માં સુનીલ નરેન KKR માટે ટોટલ પેકેજ સાબિત થઈ રહ્યા છે. તેમણે અત્યાર સુધી 11 મેચમાં 14 વિકેટ ઝડપી છે અને તેમનો ઇકોનોમી રેટ 7થી પણ ઓછો છે. નરેન હજુ પર્પલ કેપની રેસમાં છઠ્ઠા નંબર પર છે.