ઑસ્ટ્રેલિયામાં સુનિલ ગાવસ્કરનું ઘોર અપમાન, કહ્યું- હું ભારતીય છું એટલે આવું કર્યું
Sunil Gavaskar was insulted in Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 5 ટેસ્ટ મેચની સીરિઝને ભારતે ગુમાવી દીધી છે. મહાન ભારતીય બેટર સુનીલ ગાવસ્કર અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એલન બોર્ડરના સન્માનમાં આ સીરિઝનું આયોજન કરવામાં આવે છે. 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પાસેથી જીત મેળવી છે. આ સીરિઝની નિર્ણાયક અને છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ માત્ર ત્રણ દિવસમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને ટ્રોફી આપતી વખતે ગાવસ્કરને સ્ટેજ પર આવવાનું આમંત્રણ અપાયું ન હતું. જેને લઈને ભારતીય દિગ્ગજ આનાથી નાખુશ થઇ ગયા હતા.
શું હતો સમગ્ર મામલો?
ગાવસ્કરે ઓસ્ટ્રેલિયન ટીમને તેમના અને એલન બોર્ડરના નામની ટ્રોફી આપવા માટે આમંત્રણ ન આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં હારી ગયેલી ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં છ વિકેટે હરાવીને 2014 પછી પહેલી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી. એલન બોર્ડરે ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી આપી હતી જ્યારે ગાવસ્કરને તે સમયે મેદાન પર હાજર હોવા છતાં બોલાવવામાં આવ્યા ન હતા.
ગાવસ્કરે આપી પ્રતિક્રિયા
આ અંગે પ્રતિક્રિયા આપતા ગાવસ્કરે કહ્યું હતું કે, 'મને ઈનામ વિતરણ સમારોહમાં જઈને આનંદ થયો હોત. છેવટે તો આ બોર્ડર ગાવસ્કર ટ્રોફી છે અને ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે જોડાયેલી છે. હું પોતે મેદાન પર જ હતો. મને કોઈ ફરક પડતો નથી કે ટ્રોફી ઓસ્ટ્રેલિયાને આપવામાં આવી રહી છે. તેઓ વધુ સારું ક્રિકેટ રમ્યા અને ટ્રોફી જીત્યા. માત્ર એટલા માટે કે હું ભારતીય છું. મને મારા સારા મિત્ર એલન બોર્ડર સાથે ટ્રોફી રજૂ કરવામાં આનંદ થયો હોત.'
બોર્ડર ગાવસ્કર ટ્રોફી સન 1996થી રમાઈ રહી છે
સન 1996-97થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાઈ રહી છે. આ વખતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ જોવા આવેલા દર્શકોની સંખ્યાનો રેકોર્ડ તૂટી ગયો હતો. વર્ષ 2014થી આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વર્ષ 2016માં ઘરઆંગણે સીરિઝ જીતીને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો હતો અને ફરીથી વર્ષ 2018 અને વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતી હતી. ભારતીય ટીમે વર્ષ 2022માં ભારતમાં રમાયેલી આ સીરિઝ જીતી હતી.