સમસ્યા આ ચાહકોમાં જ છે...: રવિન્દ્ર જાડેજાની ટ્રોલિંગ મુદ્દે કેમ ભડક્યા સુનિલ ગાવસ્કર
Image Twitter |
T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમ ગર્વ સાથે T20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમ ઈન્ડિયાએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર જીત મેળવીને સેમીફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી છે, અને હવે રોહિત એન્ડ કંપનીની ઈંગ્લેન્ડ સામે 27મી જૂને નોકઆઉટ મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમણે દરેક મેચ જીતી છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે ભારતીય ફેન્સ પર સવાલો ઉભા કર્યા છે. હકીકતમાં રવિન્દ્ર જાડેજા પર પૂછવામાં આવેલા સવાલ પર સુનિલ ગાવસ્કરે એક ભારતીય ફેન્સને આડે હાથ લીધો હતો.
ભારતીય ફેન્સ પર ગુસ્સે થયા ગાવસ્કર
ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ સુનિલ ગાવસ્કરને જાડેજાના પ્રદર્શન પર સવાલ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં ગાવસ્કરે કહ્યું, 'હું રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનથી બિલકુલ ચિંતિત નથી, કારણ કે તે ખૂબ જ અનુભવી ખેલાડી છે. આપણે રવિન્દ્ર જાડેજા પર સવાલ ઉઠાવવા માટે વિચારવું પણ ન જોઈએ. આ સમસ્યા ભારત અને ભારતીય ચાહકોમાં જ છે. 2 ખરાબ મેચ હતી અને શરૂ થઈ ગઈ, જાડેજા સાથે શું કરવાનું છે, તેને શું થયું છે?'
જાડેજા નથી કરી શક્યા બરોબર પ્રદર્શન
રવિન્દ્ર જાડેજા માટે T20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ ખરાબ સાબિત થયો છે. જાડેજા 3 ઈનિંગ્સમાં માત્ર 16 રન જ બનાવી શક્યો છે, અને બોલિંગમાં તેના નામે 6 મેચમાં માત્ર એક જ વિકેટ છે. જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડિંગમાં પણ ખૂબ જ નબળો દેખાવ કર્યો હતો. આ સાથે તેણે એક સરળ કેચ છોડ્યો હતો. જાડેજાના આટલા ખરાબ પ્રદર્શન બાદ તેના પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેથી જ તે દરેક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં રહે છે. પરંતુ હવે આશા છે કે, જાડેજા સેમીફાઈનલમાં સારૂ પ્રદર્શન કરશે અને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં લઈ જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 27 જૂને ગયાનામાં સેમીફાઈનલ રમાશે.