સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ટીમની પસંદગી માટે નવી ફોર્મ્યુલા સૂચવી, જો આવું થાય તો સર્જાઇ શકે છે ક્રાંતિ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાનાર છે
IND vs ENG Test Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટમાં 28 રને હાર્યા બાદ ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં વાપસી કરતાં 106 રનથી જીત નોંધાવી હતી. જો કે પ્રથમ બે ટેસ્ટ મેચોમાં ભારતીય બેટરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જેથી પૂર્વ ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કર ખુશ નથી. બીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ સિવાય કોઈ બેટર કઈં ખાસ કરી શક્યો ન હતો. ભારતની આ સમસ્યાનો અંત લાવવા માટે ગાવસ્કરે એક ફોર્મ્યુલા સૂચવી છે. ગાવસ્કર ઇચ્છે છે કે યુવા ખેલાડીઓ શક્ય તેટલો સમય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિતાવે, પછી તે રણજી ટ્રોફીમાં રમતા હોય કે ભારત-A તરફથી રમતા હોય. ગાવસ્કરે કહ્યું કે, “કેટલાક ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા વિના ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવે છે, હું આમાં થોડો ફેરફાર ઈચ્છું છું.”
“ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવી જોઈએ”
ગાવસ્કરે કહ્યું, “જ્યારે કોઈ બેટર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે દર્શાવે છે કે ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવી જોઈએ જેથી તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ માટે યોગ્ય વિચારસરણીમાં હોય. રણજી ટ્રોફી ચાલી રહી છે અને તેમાં રમીને ટેસ્ટ સીરિઝ માટે સારી તૈયારી કરી શકાય છે.”
“સદી પછી સદી ફટકાર્યા બાદ પણ નથી મળતું ટીમમાં સ્થાન”
ગાવસ્કરે વધુમાં કહ્યું, “કેટલાક ખેલાડીઓ ત્રેવડી સદી ફટકારે છે તો કેટલાક સદી પછી સદી ફટકારે છે, પરંતુ તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન મળતું નથી. જ્યારે તેને ટીમમાં સ્થાન નથી મળતું ત્યારે મને તેના માટે દુઃખ થાય છે.” ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમની હજુ જાહેરાત કરવામાં આવી નથી.