બહાના કાઢવામાં આપણો દેશ હંમેશા મેડલ જીતશે, ઓલિમ્પિક બાદ સુનિલ ગાવસ્કરના નિવેદનથી વિવાદ
Sunil Gavaskar: પેરિસ ઓલિમિકમાં ભારતે 6 મેડલ જીત્યા હતા પરંતુ દેશને એકપણ ગોલ્ડ મેડલ મળી શક્યો નહોતો. ભારતને ઘણી બધી રમતોમાં મેડલની આશા હતી પરંતુ મેડલ મળી શક્યો નહોતો. બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને બોક્સિંગ આવી જ રમતોમાં સમાવિષ્ટ છે. ભારતને એક મેડલ હોકીમાં, એક મેડલ રેસલિંગમાં, 3 મેડલ શૂટિંગમાં મળ્યા હતા જ્યારે એક મેડલ જેવલીન થ્રોમાં મળ્યો હતો. ઘણી બધી રમતોમાં ભારતીય ખેલાડીઓ 4થા ક્રમે રહ્યા હતા. બેડમિન્ટનમાં ભારતીય શટલર લક્ષ્ય સેન સાથે પણ આવું જ કઇંક થયું હતું. ત્યાર બાદ બેડમિન્ટનના લીજેન્ડ એવા પ્રકાશ પદુકોણેએ પણ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે, 'આ વખતે તો ફેડરેશન અને સરકારનો વાંક કાઢી શકાય એમ નહોતો. ખેલાડીઓને જે જોઈએ તે બધુ જ આપવામાં આવ્યું હતું.'
હવે આ જ મામલે પદુકોણેનું સમર્થન કરતાં ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'બહાના કાઢવામાં આપણો દેશ હંમેશા મેડલ જીતશે. એકાગ્રતા એવી વસ્તુ છે કે જે કોચ કે ટ્રેનર નથી શીખવાડી શકતા. તે વરસો વરસના અનુભવના આધારે ખેલાડીઓની અંદર વિકસે છે.'
પ્રકાશ પાદુકોણે વિશે વાત કરતાં સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'પદુકોણે પોતે જાહેરમાં શરમાળ અને ઘણા શાંત હોય છે. તે ખૂબ ઓછું બોલે છે પરંતુ આ વખતે તેમણે જે ટિપ્પણી કરી તેના કારણે તેઓના નજીકના ઘણાં લોકોને નવાઈ લાગી છે. પરંતુ જે રીતે તેઓ ચીજોને જોઈ શકે છે એ રીતે બીજું કોઈ જોઈ નથી શકતું. લક્ષ્ય સેન ઓલિમ્પિક મેડલની સાવ નજીક પહોંચી ગયો હતો. પ્રકાશ અને મહેનતુ વિમલ કુમાર તેની સાથે જ મેદાન પર હતા. એ માત્ર લક્ષ્યનું જ નહીં પરંતુ બેડમિન્ટન પ્રેમીઓનું સપનું હતું.
ભારત સરકારે કઈ સ્પોર્ટની તૈયારી પાછળ કેટલો ખર્ચ કર્યો?
એથ્લેટિકસ - 96.08 કરોડ
બેડમિન્ટન - 72.02 કરોડ
બોક્સિંગ - 60.93 કરોડ
શૂટિંગ - 60.42 કરોડ
હોકી - 41.29 કરોડ
તીરંદાજી - 39.18 કરોડ
રેસલિંગ - 37.80 કરોડ
વેઇટ લિફ્ટિંગ - 26.96 કરોડ
ટેબલ ટેનિસ - 12.92 કરોડ
જુડો - 6.30 કરોડ
સ્વિમિંગ - 3.9 કરોડ
રોવિંગ - 3.89 કરોડ
સેઇલિંગ - 3.78 કરોડ
ગોલ્ફ - 1.74 કરોડ
ટેનિસ - 1.67 કરોડ