'..તો IPL ના રમો, વર્કલોડ મેનેજ થઇ જશે' ગુજરાતી ક્રિકેટર પર ભડક્યો ગાવસ્કર, રોહિતને પણ લપેટ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ધર્મશાલામાં રમાનાર છે
Image:File Photo |
Sunil Gavaskar on Jasprit Bumrah : ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમયથી વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો છે. જો કે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી વર્કલોડ વિશે ફરિયાદ કરીને આરામ લેવો જોઈએ તે અંગે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સહમત નથી. ઘણી વખત તે ખુલ્લેઆમ કહે છે કે જો તમારે ખરેખર વર્કલોડ મેનેજ કરવો હોય તો IPLમાં ના રમો. આરામ કરો પરંતુ રાષ્ટ્રીય ફરજમાંથી બહાનું ન બનાવો. આ રીતે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા એન્ડ કંપની દ્વારા ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવા અંગે ચર્ચા શરૂ કરી હતી.
રોહિત શર્માના બોલ્ડ નિર્ણય અંગે ગાવસ્કરે આપ્યું નિવેદન
ગાવસ્કરે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝના નિર્ણાયક મેચમાં બુમરાહનો ઉપયોગ ન કરવાના ભારતના નિર્ણય વિશે પણ ખુલીને વાત કરી હતી. ગાવસ્કરે કહ્યું, “રાજકોટમાં ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં માત્ર 15 ઓવર અને પછી બીજી ઇનિંગમાં 8 ઓવર બોલિંગ કરવા બાદ બુમરાહને કદાચ ટ્રેનરની ભલામણ પર રાંચી માટે આરામ આપવામાં આવ્યો હતો. એ ના ભૂલવું જોઈએ કે બીજી ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે 9 દિવસનો વિરામ હતો અને પછી આખી રમતમાં 23 ઓવર બોલિંગ કરવી એ બિલકુલ થાકાવનારી નથી, તો પછી બુમરાહને શા માટે આરામ આપવામાં આવ્યો?”
પાંચમી ટેસ્ટમાં આકાશ દીપને મળશે તક?
ગાવસ્કરે વધુમાં કહ્યું, “આખી ટેસ્ટમાં માત્ર 23 ઓવર જ થકવી દેનારી નથી. બીજી તરફ એવા અહેવાલો પણ આવ્યા હતા કે બુમરાહ આરામ કરવા માંગતા ન હતા, પરંતુ તેને સપોર્ટ સ્ટાફ તરફથી તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ તેની ગેરહાજરીમાં ભારતે ફાસ્ટ બોલર આકાશ દીપને રાંચીમાં ટેસ્ટ ડેબ્યુ કરવાની તક આપી હતી. એમએસ ધોનીના શહેરમાં ડેબ્યુ કરનાર આકાશ દીપે પ્રથમ ઇનિંગની 19 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. મેચની બીજી ઇનિંગમાં કેપ્ટન રોહિતે ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યો ન હતો. ફાસ્ટ બોલર બુમરાહની વાપસી બાદ આકાશ દીપ ભારતીય પ્લેઇંગ-11માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.”