Get The App

રોહિતનો નિર્ણય ગાવસ્કરને પસંદ ન આવ્યો, 1329 દિવસ બાદ આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
રોહિતનો નિર્ણય ગાવસ્કરને પસંદ ન આવ્યો, 1329 દિવસ બાદ આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન 1 - image

Washington Sundar Returns In India Test Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પ્રથમ મેચ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ જો સીરીઝમાં ટકી રહેવું હોય તો તેણે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચ માટે ટીમ ઈન્ડિયા 3 મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. શુભમન ગિલની પ્લેઈંગ 11માં વાપસી થઈ છે. બીજી તરફ આકાશ દીપને પણ રમવાની તક મળી છે. આ ઉપરાંત એક ખેલાડીની લગભગ 3 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. પરંતુ આ ખેલાડીને તક મળવા પર દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સવાલ ઉઠાવ્યા છે. 

1329 દિવસ બાદ ટેસ્ટ ટીમમાં થઈ વાપસી

ન્યુઝીલેન્ડ સામેની આ મેચ માટે રોહિત શર્માએ મોટો નિર્ણય લેતા સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ 11માં સામેલ કર્યો છે. સીરિઝની શરૂઆત પહેલા વોશિંગ્ટન સુંદર ટીમનો ભાગ નહોતો, પરંતુ બીજી મેચ પહેલા જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલા વોશિંગ્ટન સુંદર વર્ષ 2021માં ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો. તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડની ટીમમાં લેફ્ટી બેટ્સમેન વધુ છે, આવી સ્થિતિમાં સુંદર અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે-સાથે તે સારી બેટિંગ માટે પણ જાણીતો છે. તેણે આ મેચમાં કુલદીપ યાદવની જગ્યા લીધી છે, જેનાથી સુનીલ ગાવસ્કર સહમત નથી.

સુનીલ ગાવસ્કરે સુંદરના સ્થાન પર ઉઠાવ્યા સવાલ

સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, ન્યૂઝીલેન્ડના લેફ્ટી બેટ્સમેનોના કારણે સુંદરને ટીમમાં સ્થાન નથી મળ્યું, સુંદરને તેની બેટિંગના કારણે પસંદ કરવામાં આવ્યો છે અને ભારત તેના લોઅર ઓર્ડરને લઈને ચિંતિત છે. ગાવસ્કરે પહેલા દિવસે કોમેન્ટ્રીમાં કહ્યું કે, 'સુંદરની પસંદગી દર્શાવે છે કે ભારતીય ટીમ પોતાની બેટિંગને લઈને ચિંતિત હતી. તે માત્ર પોતાના ઓફ સ્પિનને કારણે જ નહીં પરંતુ તે એટલા માટે પણ ટીમમાં છે કે, તે નીચલા ક્રમમાં વધુ રન બનાવી શકે છે. હા, મને લાગે છે કે ન્યુઝીલેન્ડની બેટિંગ લાઈન-અપમાં લેફ્ટી બેટ્સમેનોની સંખ્યા વિશે ઘણી ચર્ચા થઈ છે, પરંતુ જો મારે આમ કરવું હોત તો મેં કુલદીપ યાદવ જેવા અન્ય ખેલાડીની પસંદ કરી હોત, જે લેફ્ટી બેટ્સમેનોથી બોલને દૂર કરી શકે છે. તે બેટિંમાં પણ સારો છે. સ્વાભાવિક છે કે તે સુંદર જેટલો મોટો સ્કોર ન કરી શકે.

આ પણ વાંચો: VIDEO : 'ભાઈ મેં બોલ રહા હૂં ના...' સરફરાજની જીદ પર હિટમેન થયો રાજી અને મળી વિકેટ

તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં ફટકારી હતી સદી

તમને જણાવી દઈએ કે, વોશિંગ્ટન સુંદર તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો. અહીં તેણે એલિટ ગ્રુપ Dમાં દિલ્હીની ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા 269 બોલમાં 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ તેણે પ્રથમ ઈનિંગમાં દિલ્હીના બે બેટ્સમેનોને પણ આઉટ કર્યા હતા. આ ઉપરાંત સુંદર આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે 4 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં છ ઈનિંગ્સમાં ત્રણ અડધી સદી ફટકારી છે અને તેની એવરેજ 66.25 રહી છે. આ ઉપરાંત 6 વિકેટ પણ ઝડપી છે.


Google NewsGoogle News