બુમરાહે એ જ કર્યું જે ટીમ માટે...' દિગ્ગજ ક્રિકેટરનું ટીમ ઈન્ડિયાના આધાર સમાન બોલર અંગે મોટું નિવેદન
Sunil Gavaskar statement about Jasprit Bumrah : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝ હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમને આ સીરિઝમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. અને આખી સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ સિવાય સીરિઝમાં કોઈ ખેલાડી પોતાનો પ્રભાવ પાડી શક્યો ન હતો. બુમરાહ એકલો દરેક મેચમાં લડતો જોવા મળ્યો હતો. બોલિંગ કરતી વખતે બુમરાહને બીજા છેડેથી કોઈનો વધુ સાથ મળ્યો ન હતો. હવે જસપ્રીત બુમરાહને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું સુનીલ ગાવસ્કરે?
બુમરાહેને લઈને સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'મને લાગે છે કે તેણે ટીમ માટે જે શ્રેષ્ઠ હતું તે કર્યું. જ્યારે તમારી પાસે એવો બોલર હોય કે જે વિકેટો લઈ શકે તેમ છે. ત્યારે તમે તેને હદ કરતા વધુ બોલિંગ કરવો છો તે સમજી શકાય છે. મને નથી લાગતું કે આ માટે આપણે ટીમ મેનેજમેન્ટને દોષી ઠેરવી શકીએ કારણ કે બુમરાહ ફક્ત તે જ કરવા માંગતા હતો કે જે તે સમયે ટીમ માટે સારું હતું. તેને પીઠમાં ઈજા થઇ હતી. પરતું બુમરાહ ખૂબ જ સમર્પિત ક્રિકેટર છે.'
સૌથી વધુ 32 વિકેટ લેનાર બુમરાહ બન્યો 'પ્લેયર ઓફ ધ સીરિઝ'
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી સિડની ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ પોતે જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહ આ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. જયારે બુમરાહે સિડની ટેસ્ટમાં વધુ બોલિંગ કરી ન હતી. પહેલી ઇનિંગમાં બુમરાહે 10 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી. બુમરાહ બીજી ઈનિંગમાં ઈજાના કારણે બોલિંગ કરવા આવ્યો ન હતો. જે ભારતીય ટીમ માટે એક મોટો ઝટકો હતો. આ સીરિઝમાં બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 32 વિકેટ લેનાર બોલર રહ્યો હતો. બુમરાહને આ સીરિઝમાં તેના શાનદાર પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ સીરિઝ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.