કૅપ્ટન રોહિત પર ભડક્યા ગાવસ્કર, કહ્યું- તમારી ઉંમર 35થી ઉપર જાય એટલે તમારે...
Sunil Gavaskar on Rohit Sharma : હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો કૅપ્ટન રોહિત શર્મા પોતાના પ્રદર્શનને લઈને સંઘર્ષ કરી રહ્યો છે. એડિલેડ પછી ગાબામાં પણ તેનું બેટ ચાલ્યું ન હતું. ગાબામાં તે 27 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પેટ કમિન્સે તેને આઉટ કર્યો હતો. ભારતીય ટીમને ગાબા ટેસ્ટના ચોથા દિવસે રોહિતના રૂપમાં પહેલો મોટો ઝટકો લાગ્યો હતો. ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, જ્યારે તે કેએલ રાહુલ સાથે અણનમ પાછો ફર્યો ત્યારે દરેકને તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ ચોથા દિવસે તે વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં. છેલ્લા ઘણાં સમયથી રોહિત ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે.
શું કહ્યું સુનીલ ગાવસ્કરે?
રોહિતની બેટિંગને લઈને હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ નિરાશ છે. તેણે રોહિતની બેટિંગ વિશે કહ્યું હતું કે, મને લાગે છે કે જ્યારે તમારી ઉંમર 35થી ઉપર હોય ત્યારે તમારે સતત ક્રિકેટ રમવાનું હોય છે. તમે વ્હાઇટ બોલથી રમો કે રેડ બોલથી, પરંતુ જો તમારી રમતમાં અંતર રહે છે તો તમારી મસલ્સ મેમરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે જરૂરી ઝડપ અને આરામની જરૂર હોય છે. મને લાગે છે કે રોહિત શર્માના ક્રિકેટમાં જે અંતર આવી ગયો છે તેના કારણે, તે હવે રમવા માટે થોડો સંઘર્ષ કરી રહ્યો છે. તે બોલ પર થોડો મોડો રમી રહ્યો છે, અને કદાચ આ કારણે તે વાંરવાર આઉટ થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે રોહિતનું સતત નિરાશાજનક પ્રદર્શન
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ રોહિત રમી શક્યો ન હતો. બાળકના જન્મને કારણે તે પરિવાર સાથે રહ્યો હતો. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહે પર્થમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું. અને તેણે ભારતને 295 રનથી જીત અપાવી હતી. રોહિતે એડિલેડ ટેસ્ટમાં વાપસી કરી હતી, પરંતુ ત્યાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું. એડિલેડની બે ઇનિંગ્સમાં રોહિત માત્ર 3 અને 6 રન જ બનાવી શક્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારત 10 વિકેટે હારી ગયું હતું. ગબ્બા ટેસ્ટમાં પણ તે ભારતની પહેલી ઇનિંગમાં કેએલ રાહુલ સાથે મોટી ભાગીદારી કરી શક્યો ન હતો અને જેના કારણે ટીમ મોટા જોખમમાં મૂકાઈ ગઈ હતી.