ટેસ્ટ ક્રિકેટમાં ભારતે તાત્કાલિક નવો કેપ્ટન બનાવી દેવો જોઈએ: રોહિત શર્મા પર કેમ બગડ્યા સુનિલ ગાવસ્કર
Sunil Gavaskar On Rohit Sharma : ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમ હવે આગામી પ્રવાસે ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં 5 મેચોની ટેસ્ટ સીરિઝ યોજવાની છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર પહેલી 1 કે 2 ટેસ્ટ રમી શકશે નહીં. આ સ્થિતિમાં ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે BCCIને સ્પષ્ટ શબ્દોમાં કેપ્ટન અંગે કહ્યું છે.
સુનિલ ગાવસ્કરે કહ્યું, 'કેપ્ટન માટે પહેલી ટેસ્ટ રમવી જરૂરી છે. જો પહેલી લડાઈમાં કેપ્ટન ન મળે તો વાઈસ-કેપ્ટન પર વધુ દબાણ આવી જાય છે. તેના(વાઈસ-કેપ્ટન) માટે ફરીથી જવાબદારી લેવી આસાન નહીં હોય. જણાવાઈ રહ્યું છે કે રોહિત શર્મા પહેલી ટેસ્ટમાં નહીં રમે, કદાચ બીજી ટેસ્ટમાં પણ નહીં. જો એવું હોય તો હું કહું છું કે અત્યારે ભારતીય પસંદગી સમિતિએ રોહિતને કહેવું જોઈએ કે જો તમારે આરામ કરવો હોય તો આરામ કરો, જો કોઈ અંગત કારણ હોય તો તેને પણ જુઓ.'
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટમાં રોહિતની જગ્યાએ પંત બની શકે છે કેપ્ટન: પૂર્વ સ્ટાર ખેલાડીનો દાવો
ટીમમાં કેપ્ટનના મહત્ત્વ અંગે ગાવસ્કરે કહ્યું હતું કે, 'જો તમે બે તૃતીયાંશ મેચોમાં નથી રમી રહ્યા તો તમે આ પ્રવાસ પર માત્ર એક ખેલાડી તરીકે જઈ રહ્યા છો. આપણે આ પ્રવાસમાં ટીમ માટે વાઈસ-કેપ્ટન બનાવીશું જે ભારતીય ટીમનો કેપ્ટન હશે. ક્રિકેટ સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો આપણે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ 3-0થી જીતી હોત તો સ્થિતિ અલગ હોત. કારણ કે આપણે હાર્યા છીએ માટે એક કેપ્ટનની જરૂર છે.'
પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'કેપ્ટને ટીમને એકીકૃત કરવી પડશે. જો શરૂઆતમાં કોઈ કેપ્ટન ન હોય તો બીજાને કેપ્ટન બનાવવો વધુ સારું છે.'