રાહુલ દ્રવિડ ભારત રત્નથી સન્માનિત થવાને હકદાર, T20 વર્લ્ડ કપ જીત્યા પછી દિગ્ગજ ક્રિકેટરની માગ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
Rahul Dravid And Sunil Gavaskar



Sunil Gavaskar Appeal To Government: રાહુલ દ્રવિડ ગત વર્ષે વન ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની હાર બાદ મુખ્ય કોચનું પદ છોડવા જઇ રહ્યા હતા, પરંતુ રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓના આગ્રહથી તેઓ રોકાઈ ગયા હતા. આ ઘટનાના સાત મહિના પછી ભારતે T20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે હવે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પૂર્વ ખેલાડી અને ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માગ કરી છે.


ભારતીય ક્રિકેટમાં દ્રવિડનો મહત્ત્વનો ફાળો

રાહુલ દ્રવિડનો ભારતીય હેડ કોચના રૂપે કાર્યકાળ ટી 20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થઇ ગયો છે. દ્રવિડે પોતાના કાર્યકાળનો અંત ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવીને કર્યું હતું. દ્રવિડના કોચ તરીકેના કાર્યકાળમાં ભારતે ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ટી 20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને વન-ડે વર્લ્ડકપમાં ઉપવિજેતા બનવું ઉપરાંત રાહુલ દ્રવિડના નેતૃત્ત્વમાં ભારતીય ટીમે એશિયાકપનો ટાઇટલ પણ જીત્યો છે. કોચ રહેવા ઉપરાંત પણ દ્રવિડે ભારતીય ક્રિકેટમાં ખૂબ ફાળો આપ્યો છે. તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનો પ્રમુખ રહી ચુક્યા છે ઉપરાંત તેઓ 2018માં અંડર-19 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના કોચ પણ હતા. ખેલાડી રૂપે દ્રવિડે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24 હજારથી વધુ રન ફટકાર્યા છે.


ગાવસ્કરે ભારત સરકારને કરી માગ

ગાવસ્કરે એક લેખમાં લખ્યું કે, આ યોગ્ય હશે કે ભારત સરકાર દ્રવિડને ભારત રત્નથી સન્માનિત કરે, કારણ કે તે એક મહાન ખેલાડી અને કેપ્ટન છે. તેણે વેસ્ટ ઇન્ડિઝમાં સીરીઝ જીતી અને તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન છે. NCA અધ્યક્ષરૂપે તેણે યુવા ખેલાડીઓની શોધ કરી પછી સીનિયર ટીમનો કોચ બન્યો. વર્ષની શરૂઆતમાં કેટલાક લોકોને ભારત રત્ન એનાયત કરાયો હતો. તેમના સમર્થકો પણ આ વાતથી સંમત થશે કે તેમનું કાર્ય માત્ર તેમના વિસ્તાર સુધી જ સિમિત હતું. પરંતુ દ્રવિડે એવી ઉપલબ્ધી અપાવી છે કે જેનાથી સમગ્ર દેશને ખુશી મળી છે. ચોક્કસ રૂપે દ્રવિડ આ સન્માન મેળવવા પાત્ર છે. દરમિયાન ગાવસ્કરે દ્રવિડના રમતના દિવસો યાદ કરી તેમની પણ પ્રશંસા કરી હતી.



Google NewsGoogle News