ગુજરાન ચલાવવા નોકરી શોધી રહ્યો છે આ પૂર્વ ક્રિકેટર, ખરાબ વ્યવહારના કારણે કોચ પદેથી કાઢી મૂકાયો હતો
Stuart Law : અમેરિકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટુઅર્ટ લો નવી કોચિંગ ભૂમિકાની શોધમાં લિંકડિન (LinkedIn) પર મદદ માંગી રહ્યો છે. કથિત ભેદભાવના આરોપોને પગલે તાજેતરમાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ સાથેના તેના વર્તન અંગે સવાલો ઉઠ્યા બાદ તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ લો શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અમેરિકાની ટીમનો કોચ રહી ચૂક્યા છે.
T20 વર્લ્ડકપ 2024માં કોચ અને ખેલાડીઓ વચ્ચેના સંબંધો બગડ્યા
સ્ટુઅર્ટ લોના કોચિંગ હેઠળ અમેરિકન ટીમે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સુપર-12માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. તે સમયે અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને બધાને આશ્ચર્યમાં મૂકી સીધા હતાં. જેના કારણે પાકિસ્તાની ટીમ પહેલા રાઉન્ડમાં જ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. એક અહેવાલ અનુસાર, T20 વર્લ્ડકપ 2024 અને નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ બાદ ખેલાડીઓ અને મુખ્ય કોચ વચ્ચેના સંબંધો બગડ્યા હતા.
ખેલાડીઓએ જ કોચ સામે લગાવ્યા આરોપ
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખેલાડીઓએ એક પત્ર લખ્યો હતો. જેમાં તેના (સ્ટુઅર્ટ લો) પર આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખેલાડીઓ પ્રત્યેના તેના ખરાબ દ્રષ્ટિકોણના કારણે ટીમનો માહોલ સતત બગડી રહ્યો હતો. પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે પોતાના જુઠ્ઠાણા અને છેતરપિંડી દ્વારા ટીમના સભ્યોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું હતું. તેનો ખેલાડીઓના એક જૂથ સામે ભેદભાવપૂર્ણ વ્યવહારને કારણે ખેલાડીઓ એકબીજાથી અલગ પડી ગયા હતા અને તેમનું મનોબળ એકદમ ઓછું થઇ ગયું હતું.
આ પણ વાંચો : ગૌતમ ગંભીર પર લટકતી તલવાર! BCCIએ રિપોર્ટ મંગાવ્યો, લેવાઈ શકે છે મોટો નિર્ણય
ભારતીય મૂળના ખેલાડીઓ સામે ભેદભાવ
આ સિવાય પત્રમાં લો પર કેપ્ટન મોનાંક પટેલ સામે જુઠ્ઠુ બોલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પટેલ ઉપરાંત ભારતીય મૂળના હરમીત સિંહ અને મિલિંદ કુમાર જેવા ખેલાડીઓને પણ લોની સામે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે લોને કાઢી મૂકવાનું કારણ 7-8 વરિષ્ઠ ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલો ભેદભાવના આરોપો છે. જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના છે.