IND vs AUS: 536 દિવસ બાદ ફૉર્મમાં આવ્યો સ્ટીવ સ્મિથ, ભારત વિરુદ્ધ સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
IND vs AUS, Steve Smith record : ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયન બોલર સ્ટીવ સ્મિથે પોતાની ટેસ્ટ કારકિર્દીની 33મી સદી ફટકારી હતી. ભારત સામેની ટેસ્ટમાં સ્મિથની આ 10મી સદી છે. ભારત સામે ટેસ્ટમાં 10 સદી ફટકારનાર સ્ટીવ સ્મિથ વિશ્વનો બીજો ક્રિકેટર બની ગયો છે. લગભગ 536 દિવસ બાદ સ્મિથ ફૉર્મમાં પાછો ફર્યો હતો. જો રૂટે ભારત સામે ટેસ્ટમાં 10 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સ્મિથની આ 17મી ટેસ્ટ સદી છે. અહીં તમને જણાવી દઈએ કે ભારત સામે 41મી ટેસ્ટ ઈનિંગ્સમાં સ્મિથે 10મી સદી ફટકારી હતી. આવું કરીને સ્મિથે ભારત વિરુદ્ધ ઈનિંગ્સના મામલે સૌથી વધુ સદી ફટકારવાના મામલે જો રૂટને પાછળ છોડી દીધો છે. રૂટે 55 ઇનિંગ્સ રમીને ભારત સામે 10 સદી ફટકારી હતી.
ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી કરનાર ખેલાડી
41 ઇનિંગ્સમાં 10: સ્ટીવ સ્મિથ
55 ઇનિંગ્સમાં 10: જો રૂટ
30 ઇનિંગ્સમાં 8: ગેરી સોબર્સ
41 ઇનિંગ્સમાં 8: વિવયન રિચર્ડ્સ
51 ઇનિંગ્સમાં 8: રિકી પોન્ટિંગ
ઓસ્ટ્રેલિયા માટે સ્મિથે બનાવ્યો રેકોર્ડ
હવે ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજા બેટર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં 41 સદી ફટકારી હતી. સ્મિથે સ્ટીવ વોને પાછળ છોડી દીધો છે. સ્ટીવ વોએ ટેસ્ટમાં 32 સદી ફટકારી હતી.
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટર બન્યો સ્મિથ
આ સાથે સ્ટીવ સ્મિથ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. સ્મિથે ભારત સામે 15 આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને આ અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. રિકી પોન્ટિંગે ભારત સામે 14 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. એટલે કે સ્મિથે પોન્ટિંગનો આ ખાસ રેકોર્ડ હવે તોડી નાખ્યો છે.
ભારત સામે સૌથી વધુ સદી કરનાર ખેલાડી
15 - સ્ટીવ સ્મિથ
14 - રિકી પોન્ટિંગ
13 - જૉ રૂટ
11 - વિવયન રિચર્ડ્સ
11 - કુમાર સંગાકારા
સ્મિથે બ્રિસ્બેનમાં પણ બનાવ્યો રેકોર્ડ
આ મેચમાં સ્મિથ 190 બોલમાં 101 રનની ઇનિંગ રમીને આઉટ થઇ ગયો હતો. સ્મિથ બુમરાહના બોલ પર સ્લિપમાં ઊભેલા રોહિત શર્માના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. ટ્રેવિસ હેડ અને સ્મિથ વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારી થઈ હતી. જે બ્રિસ્બેનમાં રમાયેલી ટેસ્ટમાં ભારત વિરુદ્ધ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે.
બ્રિસ્બેનમાં ભારત સામે સૌથી વધુ ટેસ્ટ ભાગીદારી કરનાર ખેલાડી
241 - ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ, 2024
148 - સ્ટીવ સ્મિથ અને મિશેલ જોન્સન, 2014
140 - મેથ્યૂ હેડન અને રિકી પોન્ટિંગ, 2003
128 - સ્ટીવ વો અને ડેમિયન માર્ટીન, 2003
120- ડોન બ્રેડમેન અને કીથ મિલર, 1947