Get The App

પહેલા એન્ટ્રી માટે મારામારી, પછી કોહલી આઉટ થતાં જ સન્નાટો: ખાલી થઈ ગયું સ્ટેડિયમ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
પહેલા એન્ટ્રી માટે મારામારી, પછી કોહલી આઉટ થતાં જ સન્નાટો: ખાલી થઈ ગયું સ્ટેડિયમ 1 - image

Ranji Trophy, Virat Kohli : ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી હાલ રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમી રહ્યો છે. આ મેચ દિલ્હી ખાતે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાહકો કોહલીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં ઉત્સાહભેર પહોંચ્યા હતા. ચાહકોને આશા હતી કે કિંગ કોહલી પોતાના બેટથી શાનદાર બેટિંગ કરશે. પરંતુ તેણે દિલ્હીની પહેલી ઇનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.       

કોહલી માત્ર 6 રન કરી પવેલિયન ભેગો થયો 

માત્ર 6 રન કરીને કોહલી આઉટ થઈ ગયો હતો. તે રેલ્વે ટીમના બોલર હિમાશું સાંગવાનના હાથે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. જો કે, પોતાની આ નાની ઇનિંગ દરમિયાન કોહલીએ સ્ટ્રેટ ડ્રાઇવ ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આ પછી તે પોતાની ઇનિંગ લાંબી ખેંચી શક્યો ન હતો અને આઉટ થઈ ગયો હતો. કોહલીની વિકેટ પડતાંની સાથે જ ચાહકોએ સ્ટેડિયમમાંથી બહાર જવાનું શરુ કરી દીધું હતું.     

કોહલી આઉટ થતાં જ બધી સીટો ખાલી થવા લાગી

એક અહેવાલ અનુસાર પહેલા દિવસે અરુણ જેટલી સ્ટેડિયમમાં લગભગ 15000 પ્રેક્ષકો હાજર હતા. બીજા દિવસે પણ કોહલીને જોવા માટે લોકો આટલી સંખ્યામાં જ આવ્યા હતા. કોહલીને લઈને લોકોમાં ઉત્સાહ એ હદ સુધી હતો કે, ચાહકો સ્ટેડિયમમાં એન્ટ્રી મેળવવા માટે મારામારી પર ઉતરી આવ્યા હતા. પહેલા દિવસે ત્રણ ચાહકો ઘાયલ પણ થઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યાથી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ જમા થવા લાગી હતી. જો કે, કોહલી સસ્તામાં આઉટ થઈ જતાં તેણે ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું હતું. કોહલી આઉટ થતાં જ બધી સીટો ખાલી થવા લાગી હતી અને એકદમ સ્ટેડિયમમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

આ પણ વાંચો : રણજીમાં વિરાટ કોહલી પણ ફ્લોપ: 6 રન બનાવી બોલ્ડ, ચાહકો થયા નિરાશ

લગભગ 13 વર્ષ પછી કોહલી રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો

વિરાટ કોહલીએ છેલ્લે વર્ષ 2012માં રણજી ટ્રોફીની મેચ રમી હતી. ત્યારે તેણે ઉત્તર પ્રદેશ સામે ગાઝીયાબાદમાં રણજી મેચ રમી હતી. આ મેચમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 14 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કોહલીને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. બીજી ઇનિંગમાં પણ કોહલી 43 રન બનાવીને ફરીથી ભુવનેશ્વરના બોલ પર આઉટ થઈ ગયો હતો. હવે લગભગ 13 વર્ષ પછી કોહલી રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો છે.

પહેલા એન્ટ્રી માટે મારામારી, પછી કોહલી આઉટ થતાં જ સન્નાટો: ખાલી થઈ ગયું સ્ટેડિયમ 2 - image



Google NewsGoogle News