શ્રીલંકાને મળ્યો વધુ એક 'મિસ્ટ્રી સ્પિનર', ભારત સામે જ બનાવ્યો મોટો રૅકોર્ડ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
શ્રીલંકાને મળ્યો વધુ એક 'મિસ્ટ્રી સ્પિનર', ભારત સામે જ બનાવ્યો મોટો રૅકોર્ડ 1 - image


Image Source: Twitter

Jeffrey Vandersay India vs Sri Lanka: શ્રીલંકાની ક્રિકેટ ટીમ પાસે હંમેશા એવા સ્પિનરો રહ્યા છે જેમણે વિશ્વ ક્રિકેટમાં ધમાલ મચાવી છે. મહાન મુથૈયા મુરલીધરન ઉપરાંત અજંતા મેન્ડિસ અને રંગના હેરાથે ધમાલ મચાવ્યો છે. લંકાની ટીમના એક સ્પિનરે ફરીથી વિપક્ષી ટીમને પરેશાન કરી છે. આ વખતે આ કામ જેફરી વેન્ડેરસે કર્યું છે. તેણે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે 10 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો.

વેન્ડેરસેએ અપાવી મેન્ડિસની યાદ

અજંતા મેન્ડિસે 2008માં ભારત સામેની વન ડે મેચમાં 13 રન આપીને 6 વિકેટ ખેરવી હતી. હવે આવું જ પરાક્રમ વેન્ડેરસે કર્યું છે અને તેણે પણ આ સિદ્ધિ મેળવી છે. તેણે 6 વિકેટ ઝડપીને મેન્ડિસની યાદ તાજી કરી છે. ભારતીય બેટ્સમેનો તેના લેગ સ્પિનને ઓળખી ન શક્યા. રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે. એલ. રાહુલ, શ્રેયસ અય્યર અને શિવમ દુબેને તેણે આઉટ કર્યા હતા. વેન્ડેરસેની ઘાતક બોલિંગના કારણે શ્રીલંકા મેચ પર કબજો કરી શકી.

વેન્ડેરસેની બોલિંગની જ અસર હતી કે, લંકાની ટીમ સિરીઝમાં હારથી બચી ગઈ. તેણે 3 વન ડે મેચોની સિરીઝમાં 1-0ની અજેય લીડ હાંસલ કરી છે. કોલંબોમાં પ્રથમ મેચ ટાઇ રહી હતી. ત્રીજી મેચ 7મી ઑગસ્ટના રોજ રમાશે. 2006 બાદ પ્રથમ વખત શ્રીલંકા ભારત સામે વન ડે શ્રેણી નહીં હારે. આ ઉપરાંત 2012 પછી પહેલીવાર તે ભારત સામે સતત બે મેચ નથી હાર્યું.

વેન્ડેરસેએ બનાવ્યો રૅકોર્ડ

વેન્ડેરસે ભારત સામેની ODI મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર લેગ સ્પિનર ​​બની ગયો છે. તેણે પાકિસ્તાનના મુશ્તાક અહેમદનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મુશ્તાક અહેમદે 1996માં ટોરોન્ટોમાં 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.


Google NewsGoogle News