પહલગામ આતંકી હુમલાને પગલે IPL મૅચમાં લેવાયો મોટો નિર્ણય
IPL 2025: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)એ આજે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ (SRH vs MI)ની મેચ દરમિયાન પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે ખેલાડીઓ અને અમ્પાયર હાથમાં કાળી પટ્ટી બાંધી હુમલાની ટીકા કરશે. તેમજ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે મેચ દરમિયાન એક મિનિટનું મૌન પાળશે. આજની મેચમાં ચીયર લીડર્સનું પર્ફોર્મ નહીં કરે તેમજ ફટાકડાં પણ ફોડવામાં આવશે નહીં.
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યારસુધીમાં 28 લોકોના મોત થયા છે. જેમાં બે વિદેશી અને ત્રણ ગુજરાતી સામેલ છે. દેશભરમાંથી આ હુમલાની વિરૂદ્ધમાં આકરી કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. અમેરિકા, રશિયા સહિત વિશ્વના અન્ય દેશોએ પણ આ આતંકી હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદી પણ પોતાની સાઉદી અરેબિયાની યાત્રા અધવચ્ચે અટકાવી તુરંત નવી દિલ્હી આવ્યા હતાં. તેમણે હાઈ લેવલની ઈમરજન્સી બેઠક બોલાવી ઘટના અંગે માહિતી મેળવી હતી. કાશ્મીરમાં આ હુમલાની વિરોધમાં બંધ પાળવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ પણ વાંચોઃ 'કિંમત ચૂકવવી પડશે...', પહલગામ આતંકી હુમલા અંગે દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ થયા ભાવુક
મૃતકોને સહાય
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે મૃતકોના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રૂપે ઘાયલને રૂ. 2 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 1 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. 35 વર્ષમાં પ્રથમ વખત સંપૂર્ણ કાશ્મીરમાં બંધનું એલાન છે. નાગરિકો, રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનોએ હુમલાખોરો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગ કરતાં શાંતિપૂર્ણ દેખાવો કર્યા છે.
ક્રિકેટર્સે રોષ ઠાલવ્યો
આ અત્યંત નિર્દયી આતંકી હુમલાની વિરૂદ્ધમાં ભારતીય ક્રિકેટર્સે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મૃતકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં વિવિધ ખેલાડીઓએ તેનો બદલો લેવાની માગ કરી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ભારત હુમલો કરશે અને આતંકવાદીઓના આ કાયર કૃત્યનો જવાબ આપશે.'