પેરિસ ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓ છવાઈ, વિવિધ રમતોમાં શ્રીજા, દીપિકા-લવલીનાની જીત
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં 5મો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. બેડમિન્ટનમાં ભારતના પી વી સિંધુ અને લક્ષ્ય સેન જીતીને રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યા હતા. ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા વિજેતા રહી હતી અને તે પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી હતી. ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લવલીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તો બીજી તરફ તીરંદાજીમાં દીપિકા કુમારી પણ રાઉન્ડ ઑફ 16માં પહોંચી ગઈ હતી.
દીપિકા કુમારી મહિલા વ્યક્તિગત તીરંદાજીની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. દીપિકાએ નેધરલેન્ડની ક્વિન્ટી રોફેનને 6-2થી હરાવી હતી. દીપિકા કુમારીએ ત્રીજા સેટમાં વાપસી કરી હતી અને 4-2ની લીડ મેળવી હતી. ત્રીજા સેટમાં દીપિકાએ 25 પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે ક્વિન્ટી માત્ર 17 પોઇન્ટ નોંધાવી શકી હતી.
બોક્સિંગમાં પણ મેડલની આશા
ભારતીય મહિલા બોક્સર લવલીના બોર્ગોહેને રાઉન્ડ ઑફ 16 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે આ મેચ સર્વસંમતિથી જીતી હતી.
લવલીનાએ શાનદાર શરુઆત કરી અને પ્રથમ રાઉન્ડ જીતી લીધો. લવલીનાને પ્રારંભિક રાઉન્ડમાં બધા જજ દ્વારા 10-10 માર્ક્સ આપવામાં આવ્યા હતા, જ્યારે સુનિવાને દરેક જજ તરફથી 9-9 માર્ક્સ મળ્યા હતા. આ રીતે લવલીનાએ આ રાઉન્ડ સર્વસંમતિથી જીત્યો હતો.
અગાઉ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલી લવલીનાએ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને બીજા રાઉન્ડમાં પણ સર્વસંમતિથી જીત મેળવી હતી. આ રાઉન્ડમાં લવલીનાએ તેના પ્રતિસ્પર્ધી પર કેટલાક સચોટ મુક્કા માર્યા હતા જેના કારણે તમામ જજે તેના પક્ષમાં નિર્ણય આપ્યો.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં 'લક્ષ્યવેધ', લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3ને હરાવ્યો
ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલાને બર્થ-ડે ગિફ્ટ
ટેબલ ટેનિસની યુવા ખેલાડી શ્રીજા અકુલાનો આજે જન્મ દિવસ હતો. આજે તેણે તેની પોતાની રાઉન્ડ ઑફ 32 મેચમાં જીત મેળવી હતી. આ સાથે ટેબલ ટેનિસની રાઉન્ડ ઑફ 16માં પહોંચનાર તે બીજી ભારતીય મહિલા બની છે. આ જ ઓલિમ્પિકમાં મોનિકા બત્રાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.