ટેનિસની દુનિયાના 'ક્લે કોર્ટ કિંગ'ની લાગણીશીલ નિવૃત્તિ, કહ્યું- સારા માણસ તરીકે ઓળખાવા માગું છું
Rafael Nadal Announces Retirement : ટેનિસના મહાનતમ ખેલાડીઓ પૈકીના એક એવા સ્પેનના રાફેલ નડાલે મંગળવાર, નવેમ્બર 19 ના રોજ ટેનિસને અલવિદા કહી દીધું હતું. તેમણે પોતાના દેશ માટે વ્યાવસાયિક કારકિર્દીની અંતિમ મેચ ‘ડેવિસ કપ’માં રમી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. સ્પેનના નાનકડા ગામડામાં જન્મેલું બાળક ટેનિસ-જગતનો ‘કિંગ’ બનીને ભવ્ય કહેવાય એવો વારસો છોડી ગયો છે.
લડત છતાં નહોતા જીતાડી શક્યા દેશને
ટેનિસમાં ફક્ત પુરુષ ખેલાડીઓ દ્વારા ‘ડેવિસ કપ’ રમાય છે, જે બે ખેલાડી વચ્ચે નહીં પણ બે દેશ વચ્ચે ખેલાતો પ્રતિષ્ઠિત જંગ ગણાય છે. એક દેશની ટીમ બીજા દેશની ટીમ સામે ભીડાય છે. આ વર્ષની ડેવિસ કપ ક્વાર્ટર ફાઈનલમાં સ્પેનનો મુકાબલો નેધરલેન્ડ સામે હતો, જે નેધરલેન્ડે 2-1થી જીતી લીધો હતો. પહેલી સિંગલ્સ મેચમાં સ્પેનના 38 વર્ષીય રાફેલ નડાલનો મુકાલબો વિશ્વના 80 મા ક્રમના બોટિક વાન ડી ઝેન્ડસ્ચલ્પ સાથે થયો હતો, જેમાં નડાલની 4-6, 4-6 ના સ્કોરથી હાર થઈ હતી. બીજી સિંગલ્સમાં કાર્લોસ અલ્કારાઝે ટેલોન ગ્રીકસ્પૂરને 7-6(7-0), 6-3થી હરાવીને સ્પેનને બરાબરી પર લાવી દીધું હતું, પણ ત્રીજી અને નિર્ણાયક ડબલ્સ મેચમાં નેધરલેન્ડની ટીમ 7-6(7-4), 7-6(7-3) જીતી જતાં સ્પેન સ્પર્ધામાંથી બહાર થઈ ગયું હતું. નડાલે હરિફને બરાબરની ટક્કર આપી હોવા છતાં તેમનો પરાજય થયો હતો.
વિદાયવેળા સમયે ભાવુક થયા નડાલ
સ્પેનના મેલગા શહેરમાં રમાયેલ મેચમાં નડાલને છેલ્લી વાર રમતા જોવા માટે ભરચક ભીડ જામી હતી. ‘રાફા, રાફા’ના નારાથી ખેલપ્રેમીઓએ સમગ્ર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ગજવી મૂક્યું હતું. (નડાલનું હુલામણું નામ રાફા છે.) મેચ શરૂ થાય એ પહેલાં સ્પેનનું રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે નડાલ ભાવુક થઈ ગયા હતા, એમની આંખો રાષ્ટ્રપ્રેમથી છલકાઈ ઊઠી હતી.
કહ્યું, આ રીતે યાદ રખાય તો ગમશે
વિદાય સમારંભમાં નડાલને પૂછવામાં આવ્યું હતું કે, ‘લોકો તમને કઈ રીતે યાદ રાખે, એ ગમશે?’ ત્યારે નડાલે જવાબ આપ્યો હતો કે, ‘રેકોર્ડ અને ટ્રોફીઓ તો છે, અને લોકો એના વિશે જાણતા જ હશે, પણ મને જો એક નાના ગામના ભલા માણસ તરીકે અને પોતાના સપનાં પૂરા કરવા માટે સખત મહેનત કરનાર બાળક તરીકે યાદ રાખવામાં આવશે તો વધુ ગમશે.’
નડાલના જવાબને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નડાલનો જન્મ સ્પેનના એક નાનકડા ગામ મેલોર્કામાં થયો હતો.
પોતાની જાતને નસીબદાર ગણાવ્યા
સમગ્ર કરિયર દરમિયાન સપોર્ટ કરનારા રમતપ્રેમીઓનો આભાર વ્યક્ત કરતાં નડાલે નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, ‘હું ખૂબ નસીબદાર રહ્યો છું, કારણ કે નાના ગામમાં જન્મ્યો હોવા છતાં મારા કાકા ટેનિસ કોચ હતા અને મારા પરિવારે મને ટેકો આપ્યો હતો, જેને લીધે મેં જેટલું ઈચ્છ્યું હતું એના કરતાં વધુ હું મેળવી શક્યો. બાકી સખત મહેનત તો ઘણા લોકો કરતા હોય છે, પણ બધાને બધું નથી મળતું.’
પરાજય બાબતે રમૂજ કરી
નેધરલેન્ડ સામે મળેલ હાર બાબતે નડાલે કહ્યું હતું કે, ‘મારી કરિયરની પહેલી મેચ ડેવિસ કપની જ હતી જેમાં હું હારી ગયો હતો, અને આજે છેલ્લી મેચ પણ ડેવિસ કપની જ હતી, જે હું હારી ગયો છું. એટલે એક રીતે જોઈએ તો આ હાર યોગ્ય જ છે, કેમ કે એનાથી એક વર્તુળ પૂરું થયું.’ નડાલની આ હળવી રમૂજ પર પ્રેક્ષકો હસી ઊઠ્યા હતા.
વધતી વય અને વારંવારની ઈજાઓને કારણે લેવી પડી નિવૃત્તિ
નડાલ પોતાની સમગ્ર કરિયર દરમિયાન વારંવાર ઈજાઓનો ભોગ બનતા રહ્યા હતા, જેને લીધે તેમણે મહિનાઓ સુધી રમતથી દૂર રહેવું પડતું અને કમબેક કરવું અઘરું પડતું. જોકે, તેમણે વારંવાર સફળ પુનરાગમન કરી દેખાડ્યું હતું. થાપાની ઈજાની લીધે તેઓ વર્ષ 2023 થી ફક્ત ચુનંદા ટુર્નામેન્ટ્સમાં જ ભાગ લેતા હતા. ઓગસ્ટ, 2024માં સ્પેન માટે ઓલિમ્પિકમાં રમ્યા પછી ડેવિસ કપની આ મેચ તેમની પ્રથમ વ્યાવસાયિક મેચ હતી, જેમાં તેમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું હતું, પણ જીતી નહોતા શક્યા.
અસાધારણ કારકિર્દી, અદભુત રેકોર્ડ
નડાલની ટેનિસ કરિયર અસાધારણ રહી છે. તેમની સિદ્ધિઓ પર એક નજર નાંખીએ તો,
- પુરુષ સિંગલ્સમાં 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.
- 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલમાં 14 ટાઈટલ તો જીતવા માટે સૌથી મુશ્કેલ ગણાતા ‘ફ્રેન્ચ ઓપન’ના છે. આજ સુધીમાં કોઈ પુરુષ કે મહિલા ખેલાડી એક ગ્રાન્ડ સ્લેમમાં આટલાબધા ટાઈટલ જીતી શક્યું નથી. નિષ્ણાતો કહે છે કે, આગામી સમયમાં પણ આ રેકોર્ટ તૂટવાની સંભાવના બહુ ઓછી છે.
- 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલમાં 4 યુએસ ઓપન ટાઈટલ, 2 ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ અને 2 વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે.
- વર્ષ 2010માં નડાલે 24 વર્ષની વયે ‘કરિયર ગ્રાન્ડ સ્લેમ’ની સિદ્ધિ હાંસલ કરી હતી. ઓપન એરામાં આવું પરાક્રમ કરનાર તેઓ સૌથી યુવા ખેલાડી છે. (‘કરિયર ગ્રાન્ડ સ્લેમ’ એટલે ચારેચાર ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવું)
- વર્ષ 2022માં નડાલે તમામ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ બબ્બે વાર જીતીને ‘ડબલ કરિયર ગ્રાન્ડ સ્લેમ’ પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી.
- ફ્રાન્સના પેરિસ ખાતે જ્યાં ફ્રેન્ચ ઓપન રમાય છે એ રોલેન્ડ ગેરોસ કોર્ટ પર નડાલનું એકચક્રી શાસન રહ્યું છે. ત્યાં રમાયેલ ફાઈનલમાં નડાલ 14-0નો રેકોર્ડ ધરાવે છે. સમગ્ર કરિયર દરમિયાન નડાલ ફ્રેન્ચ ઓપનની 116 મેચ રમ્યા છે જેમાંથી તેમણે 112 માં જીત મેળવી છે અને ફક્ત 4 વાર હાર્યા છે.
- ક્લે કોર્ટ પર 63 ટુર્નામેન્ટ જીતનાર નડાલ સળંગ 81 મેચ જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. તેથી જ તેમને ‘કિંગ ઓફ ક્લે’નું બિરુદ આપવામાં આવ્યું છે.
- આ વર્ષે ભલે તેઓ ડેવિસ કપની રેસમાંથી બહાર થઈ ગયા, પણ ભૂતકાળમાં તેઓ પોતાના દેશ માટે ચાર વખત પ્રતિષ્ઠિત ડેવિસ કપ જીતી ચૂક્યા છે.
- 2008 ની બેજિંગ ઓલિમ્પિકમાં સિંગલ્સમાં ગોલ્ડ અને 2016 ની રિઓ ઓલિમ્પિકમાં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ પણ નડાલે મેળવી છે.
કોણ શ્રેષ્ઠ? ફેડરર કે નડાલ?
ટેનિસજગતમાં વર્ષોથી એવી ચર્ચા ચાલે છે કે બિગ-થ્રી ગણાતા રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ?
સર્બિયાના મહાન ખેલાડી અને નડાલ-ફેડરરના કટ્ટર સ્પર્ધક રહી ચૂકેલા નોવાક જોકોવિચને એક વાર પૂછવામાં આવેલું ફેડરર અને નડાલમાંથી વધુ શ્રેષ્ઠ ખેલાડી કોણ? ત્યારે જોકોવિચે બેધડક નડાલનું નામ દીધેલું. 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ વિજેતા રોજર ફેડરરે પોતે પણ નડાલને લખેલા એક પત્રમાં કબૂલ્યું હતું કે, નડાલ તેના કરતાં વધુ સારો ખેલાડી છે.