સ્પેન 12 વર્ષ બાદ યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું, યમલના શાનદાર પ્રદર્શનથી ફ્રાન્સને 2-1થી હરાવ્યું
Spain enter In Euro 2024 Final: સ્પેન અને ફ્રાન્સ વચ્ચે યુરો કપ 2024ની પ્રથમ સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં સ્પેને 2-1થી ફ્રાન્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ મેચમાં બંને ટીમોની એક અલગ જ શૈલી જોવા મળી હતી. જેમાં સ્પેનની આક્રમક શૈલીએ આખરે ફ્રાન્સની રક્ષાત્મક રમત પર વિજય મેળવ્યો હતો. સ્પેનની જીતના હીરો લેમીન યમલ અને દાની ઓલ્મો હતા. બંનેએ ટીમ માટે 1-1 ગોલ ફટકાર્યો હતો.
સ્પેન 12 વર્ષ બાદ યુરો કપની ફાઈનલમાં પહોંચ્યું
જર્મનીના બર્લિનના આલિયાન્ઝ એરેના ખાતે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે યુરો કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં મેચ રમાઈ હતી. રોમાંચક મેચમાં સ્પેને 2-1થી ફ્રાન્સને હરાવીને 12 વર્ષ બાદ યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સે મેચની પ્રથમ 10 મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી લીધી હતી, પરંતુ 15 મિનિટ બાદ સ્પેને પ્રથમ ગોલ કરીને સ્કોર બરાબરી કરી દીધો હતો. ત્યારબાદ સ્પેને તરત જ 4 મિનિટમાં જ બીજો ગોલ કરીને આગળ થઈ ગયું હતું.
ફ્રાન્સે 10 મિનિટમાં જ ગોલ કર્યો
મેચના પહેલા હાફમાં જ બંને ટીમો દ્વારા ત્રણેય ગોલ કરવામાં આવ્યા હતા. મેચની 7મી મિનિટે ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમબાપ્પે દ્વારા ગોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે ગોલ પોસ્ટ સુધી બોલ લઈ જાય તે પહેલા જ જિસસ નવાસે તેની પાસેથી બોલને દૂર કરી દીધો હતો. તો માત્ર બે મિનિટમાં જ બોલ ફરી એમબાપ્પે પાસે આવી ગયો હતો, તેણે વાર લગાડ્યા વગર જ બોલને ટીમના સાથી ખેલાડીને પાસ કર્યો અને કોલો મુઆનીએ કોઈ ભૂલ કર્યા વગર જ ગોલમાં પરિવર્તિત કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી.
આ પણ વાંચો : બુમરાહ અને સ્મૃતિ માંધાનાને ડબલ જેકપોટ! ICCએ આપ્યો ઍવોર્ડ
સ્પેનના 4 મિનિટમાં બે ગોલ
આગળ ચાલી રહેલી ફ્રાન્સની ટીમની ખુશી લાંબી રહી નહીં અને મેચની 21મી મિનિટે સ્પેનના 16 વર્ષીય લેમિન યમલે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. આ પછી બરાબર 4 મિનિટ બાદ એટલે કે મેચની 25મી મિનિટે દાની ઓલ્મોએ ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી હતી. સ્પેનનો બીજો ગોલ થતાં જ દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. પ્રથમ હાફમાં 2-1થી આગળ ચાલી રહેલા સ્પેનિશ ખેલાડીઓનું જોશ બીજા હાફમાં જોવા મળ્યો હતો. જોકે, મેચની 60મી મિનિટે ફ્રાન્સના ઓસમાન ડેમ્બેલે ક્રોસ ફટકારીને સ્કોરને બરાબરી પર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પ્રયાસને સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને નિષ્ફળ બનાવી દીધો હતો. સ્પેનની લીડ મેચના અંત સુધી અકબંધ રહી હતી અને ટીમે 2-1થી વિજય મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.