એક ઓવરમાં છ સિક્સર, 20 ઓવરમાં 300 રન: એક જ મેચમાં બન્યા 5 મહારેકૉર્ડ
Delhi Premier Leauge: દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં શનિવારે (31 ઓગસ્ટ) સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચમાં રેકોર્ડ બ્રેક રન બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ દિલ્હીના બેટ્સમેન આયુષ બદોનીએ શાનદાર બેટિંગ કરી 65 બોલમાં 8 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા હતા અને 300ના સ્ટ્રાઈક રેટથી 165 રન બનાવ્યા હતા. આયુષ સાથે પ્રિયાંશ આર્યએ પણ સારી બેટિંગ કરી હતી. પ્રિયાંશે 50 બોલમાં 10 ચોગ્ગા-10 છગ્ગા ફટકારી 240ના સ્ટ્રાઈક રેટ સાથે 120 રન બનાવ્યા હતા. આ સાથે બંને બેટ્સમેનોએ તેમની વિનાશક ઇનિંગ્સથી સાઉથ દિલ્હીનો સ્કોર 308 રન સુધી પહોંચાડ્યો હતો. આ મેચમાં રનના તોફાન સાથે ઘણા રેકોર્ડ પણ બન્યા હતા.
સૌથી વધુ રનની ભાગીદારી
ટી-20 ક્રિકેટમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હતી. પ્રિયાંશ આર્ય અને આયુષ બદોની વચ્ચે 286 રનની ભાગીદારી થઈ હતી, જે ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ જોડી દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ભાગીદારી છે. બંને બેટ્સમેનોએ જાપાની બેટ્સમેન યામામોટો લેક અને કડોવાકી ફ્લેમિંગનો 258 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
આ પણ વાંચોઃ શુભમન ગિલની ઈર્ષા કરતો હતો શિખર ધવન, ખુદ કબૂલાત કરીને જણાવ્યું ચોંકાવનારું કારણ
ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન
આયુષ બદોની કોઈપણ ફ્રેન્ચાઈઝી લીગની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન બન્યો છે. ઓવરઓલ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. જેણે આઇપીએલમાં આરસીબી માટે પુણે વોરિયર્સ સામે રમતી વખતે 66 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા હતા.
સૌથી વધુ છગ્ગા
આયુષ બદોનીએ ટી-20 ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની તોફાની ઇનિંગમાં 19 છગ્ગા ફટકાર્યા હતા. અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેને એક ઈનિંગમાં આટલા છગ્ગા ફટકાર્યા નથી. ફ્રેન્ચાઇઝી ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેલે 2017 બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ફાઇનલમાં 18 સિક્સર ફટકારી હતી.
એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન
સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ટીમે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી કોઈ ટીમ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં 300નો આંકડો પાર કરી શકી નથી. જો કે, સાઉથ દિલ્હીએ 308 રન બનાવીને સન રાઈઝર્સ હૈદરાબાદનો 287 રનનો રેકોર્ડ તોડ્યો છે.
6 બોલમાં 6 સિક્સર
સાઉથ દિલ્હીના બેટ્સમેન પ્રિયાંશ આર્યએ એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તે એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ યાદીમાં યુવરાજ સિંહની સાથે હર્ષલ ગિબ્સ, કાયરન પોલાર્ડ, જસકરણ મલ્હોત્રા, દીપેન્દ્ર સિંહ એરીનું નામ અગાઉથી સામેલ છે.